જામનગર મહાનગરપાલીકા દ્વારા શહેરમાં જુદા-જુદા સ્થળે ભીનો અને સૂકા કચરાના ટવીનબીન્સ મૂકવા માટે કરવામાં આવેલા રૂ.૩૫ લાખનો ખર્ચ એળે એટલે કે આંધણ થયાનો ઘાટ સર્જાતા કૌંભાડની આંશકા નકારી શકાતી નથી. કારણ કે, મનપા દ્રારા મૂકવામાં આવેલા ટીવીનબીન્સ અમુક સ્થળો પરથી ગાયબ છે તો અમુક સ્થળો પર તૂટી ગયા છે. મનપા દ્વારા આડેધડ ટવીનબીન્સ મૂકી બુઘ્ધિનું દેવાળું ફૂંકયા બાદ નાણાંનો પણ ધુમાડો કરવામાં આવતા સ્વચ્છ અને ગ્રીન જામનગર અભિયાનનો ફીયાસ્કો થયો છે. નવાઇની વાત તો એ છે કે, ટવીનબીન્સ ફીટ કરવાની ફાઉન્ડેશનની કામગીરીમાં પણ લોટ, પાણીને લાકડાથી ઘણા સ્થળે પાઇપ અને ટવીનબીન્સ પડું પડું હાલતમાં છે. આમ છતાં જામ્યુકોના જવાબદારોને કંઇ પડી નથી.
સ્વચ્છ અને ગ્રીન જામનગરના દાવા ચરિતાર્થ કરવા અને સ્વચ્છતા સર્વેક્ષણમાં જામનગરનો અગ્ર ક્રમ આવે તે માટે મહાનગરપાલીકા દ્વારા જંગી ખર્ચ કરવામાં આવે છે. પરંતુ જંગી ખર્ચ કર્યા બાદ કામગીરીમાં મનપા દ્વારા સાતત્યનો અભાવ, લોટ-પાણી અને લાકડા અને ઘોર બેદરકારીથી સ્વચ્છ અને ગ્રીન જામનગરના અભિયાનનો ફીયાસ્કો થઇ રહ્યો છે. શહેરમાં ઠેર-ઠેર ઉભરાતી ગટરો, કચરાથી ખદબદતી કચરાપેટીઓ તેનો બોલતો પુરાવો છે. આમ છતાં મનપા પ્રજાના કરવેરા ના નાણાંનો ધુમાડો કરવામાંથી ઉંચી આવતી નથી. તેનો વધુ એક કિસ્સો જોવા મળ્યો છેે. કારણ કે, શહેરમાં ૧૦ મહીના પહેલા મહાનગરપાલીકા દ્રારા શહેરના જુદા-જુદા માર્ગો અને વિસ્તારોમાં ભીના અને સૂકા કચરાના ટવીનબીન્સ મૂકવાની કામગીરી કરવામાં આવી હતી. આ માટે અમદાવાદની એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. આટલું જ નહીં આ કામગીરી પાછળ અધધ..રૂ.૩૫ લાખનો જંગી ખર્ચ કરવામાં આવ્યો હતો.

પરંતુ આ કામગીરીમાં જે તે સમયે મહાનગરપાલીકા દ્રારા બુઘ્ધિનું દેવાળું ફૂંકવામાં આવ્યું હતું. કારણ કે, શહેરમાં જિલ્લા પંચાયતની સામે ક્રીકેટ બંગલાની દિવાલની ફરતે ૧૦૦ મીટરના અંતરમાં કે જયાં બે તો મોટી કચરાપેટી હોવા છતાં બાજુ બાજુમાં ૭ ટીવીનબીન્સ મૂકવામાં આવ્યા હતાં.
આથી આ કામગીરી શંકાના દાયરામાં આવી હતી. આટલું જ નહીં ભીડભંજન મંદીર સામે મનપાના ગેઇટથી તળાવની પાળ તરફ જતા માર્ગ, ટાઉનહોલ તેમજ અન્ય મહત્વના માર્ગો અને સ્થળો પર ટીવીનબીન્સ મૂકવામાં ન આવતા કયાં પ્રકારે, કેવી રીતે આ કામગીરી કરવામાં આવી છે તે પણ તપાસનો વિષય બન્યો હતો. આટલું ઓછું હોય તેમ હજુ તો ફકત ૧૦ મહીના જેટલો સમય થયો હોવા છતાં શહેરમાં અધધ..રૂ.૩૫ લાખના ખર્ચે મૂકવામાં આવેલા ૫૦૦ જેટલા ટીવીનબીન્સમાંથી ચાંદીબજાર સહીત અમુક સ્થળો પર મૂકવામાં આવેલા ટીવીનબીન્સ ગાયબ થઇ ગયા છે. ફકત સ્ટેન્ડ ઉભા છે. તો જિલ્લા પંચાયત સામે તથા અન્ય સ્થળો પર મૂકવામાં આવેલા ટીવીનબીન્સના તળીયા નીકળી ગયા છે અને તૂટી ગયા છે.
આથી લાખોના ખર્ચ પર પાણી ઢોળની સ્થિતિ સર્જાઇ છે તો આમાં સ્વચ્છ સર્વેક્ષણમાં જામનગરનો અગ્ર ક્રમ કેવી રીતે આવે તે સવાલ ઉઠ્યો છે. પરંતુ લાખોના ખર્ચે વિકાસલક્ષી કામગીરી બાદ જાળવણીમાં મનપાની ઘોર ઉદાસીનતા અને બેદરકારીથી ભલે ને પ્રજાના કરવેરારૂપી નાણાંનો ધુમાડો થાય જામ્યુકોના જવાબદારોને કંઇ પડી નથી. જે શહેરમાં રૂ.૩૫ લાખના ખર્ચે મૂકવામાં આવેલા ટવીનબીન્સની હાલત પરથી ઉજાગર થઇ રહ્યું છે.

આલેલે...એક ટીવીનબીન્સનો ખર્ચ અધધ..રૂ.૭૦૦૦, વીજીલન્સ તપાસ થાય તો ચોંકાવનારા ઘટસ્ફોટની આશંકા
જામનગર મહાનગરપાલીકા દ્વારા ૧૦ મહીના પૂર્વે શહેરમાં જુદા-જુદા સ્થળે ભીના અને સૂકા કચરા માટે અંદાજે રૂ.૩૫ લાખના ખર્ચે ૫૦૦ ટવીનબીન્સ મૂકવા માટે અમદાવાદની એજન્સીને કોન્ટ્રાકટ અપાયો હતો. જો ખરેખર રૂ.૩૫ લાખના ખર્ચે ૫૦૦ ટીવીનબીન્સ મૂકાયા હોય તો એક ટીવીનબીન્સ મૂકવા પાછળ અધધ..રૂ.૭૦૦૦ નો ખર્ચ થયો હોય. ત્યારે એક ટીવીનબીન્સ મૂકવા પાછળ આટલો ખર્ચ થાય તે ગળે ઉતરે તેવી વાત નથી. આથી જો આ સમગ્ર કામગીરીની વીજીલન્સ તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી હકીકતોનો પર્દાફાશ થવાની આશંકા પણ નકારી શકાતી નથી.
કચરાથી ભરેલા ટીવીનબીન્સ ખાલી કરાતા નથી, શહેરની આબરૂનું ધોવાણ,જામ્યુકો નિંદ્રધીન
જામનગરમાં મસમોટા ખર્ચે ભીના અને સૂકા કચરાના એકત્રીકરણ માટે ૫૦૦ ટીવીનબીન્સ મૂકવામાં આવ્યા હતાં. પરંતુ અમુક સ્થળેથી આ ટવીનબીન્સ ગાયબ છે તો અમુક સ્થળે તેના તળીયા નથી. આટલું જ નહીં જૂના ટીવીનબીન્સને રંગરોગાન કરી નવા દેખાડવાનો કારસો પણ જે તે સમય કરવામાં આવ્યો હતો. કારણ કે, ટીવીનબીન્સના તળીયા તો કટાયેલા હતાં. બીજી બાજુ જે સ્થળે ટીવીનબીન્સ ઉભા છે તેમાંથી મોટા ભાગના સ્થળો પર ટીવીનબીન્સ ખાલી કરાતા નથી. કચરાથી ભરેલા રહે છે. આથી જામનગરની આબરૂનું ધોવાણ થઇ રહ્યું છે. આમ છતાં જામનગર મહાનગરપાલીકાનું તંત્ર કુંભ કર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું છે.