BREAKING NEWS

સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડમાં મોટા સમાચાર, પૂર્વ કલેક્ટરના PA અને ક્લાર્કની બદલી, જાણો શું છે સમગ્ર વિગત

  • January 04, 2026 04:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુરેન્દ્રનગરમાં 1500 કરોડની જમીનના કૌભાંડમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બાદમાં કોર્ટમાં રજૂ કરાતા તેમના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. હવે  તત્કાલીન કલેક્ટરના PA જયરાજસિંહ ઝાલાની મૂળી ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે ક્લાર્ક મયુરસિંહ ગોહિલની ધ્રાંગધ્રા ખાતે બદલી કરવામાં આવી છે. હજુ પણ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.​​​​​​​

સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલે 10 કરોડની લાંચ લીધાનો ધડાકો


સુરેન્દ્રનગર જિલ્લામાં 1500 કરોડની જમીન બિનખેતી કરાવવાના કૌભાંડ અંગે ઈડીએ તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર કુમાર એમ.પટેલને આજે સાણસામાં લીધા હતા. ઈડીની ત્રણ ટીમ દ્વારા તેમની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. બાદમાં ઈડીએ તેમની ધરપકડ કરી હતી. ઈડીની તપાસમાં કલેક્ટરે 10 કરોડની લાંચ લીધાનું ખુલ્યું છે. લાંચની 50 ટકા રકમ પોતે રાખતા અને બાકીની અન્ય ત્રણને બાંટી દેતા હતા. 


ઈડીને મળેલા ડિજિટલ ડિવાઇસમાંથી જે શીટ્સ મળી છે એમાંથી કેવી રીતે જમીન હેતુફેરનું આખું સ્કેમ આચરવામાં આવતું હતું એનો ખુલાસો થયો હતો, જે 10 કરોડનું હોવાનો ઘટસ્ફોટ થયો હતો.


આ મામલે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, જયરાજસિંહ ઝાલા, મયૂરસિંહ ડી.ગોહિલે ઈડી સમક્ષ આખા કેસના વટાણા વેરી દેતાં નિવેદન રેકોર્ડ કરાવ્યું હતું. આ નિવેદન મુજબ સિસ્ટેમિક ચાલતા જમીન કૌભાંડમાં લાંચનો 50 ટકા હિસ્સો કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને મળતો હતો, જ્યારે અન્ય અધિકારી એડિશનલ કલેક્ટર ઓઝાને 25 ટકા મળતો હતો. માત્ર એટલું જ નહીં, આ ત્રણેય લોકોએ મુખ્ય સૂત્રધાર અને લાભકર્તા તરીકે કલેક્ટર રાજેન્દ્ર પટેલનું જ નામ લીધું હતું.


જમીનના હેતુ ફેર માટે જિલ્લા કલેક્ટર અંતિમ નિર્ણય લેતા 

ચંદ્રસિંહ મોરીએ ઇડી સમક્ષ નિવેદન રેકોર્ડ કરાવ્યું હતું કે લાંચનો 50 ટકા હિસ્સો સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્ર કુમાર મહેન્દ્રભાઈ પટેલને મળતો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે આ બધો 'હિસાબ' કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા રાખતો હતો અને લાંચમાં કલેક્ટરનો હિસ્સો પણ તે જ લઈ જતો હતો અને ડો.રાજેન્દ્ર પટેલ સુધી પહોંચાડતો હતો. જ્યારે કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલાએ ઈડી સમક્ષ સ્વીકાર્યું કે લાંચનો 50 ટકા હિસ્સો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્ર કુમારને મળતો હતો. આ ઉપરાંત તેણે એ પણ સ્વીકાર્યું કે આ હિસાબની શીટ જિલ્લા કલેક્ટર સાથે શેર કરતો હતો. લાંચની રકમ મેજિસ્ટ્રિયલ બ્રાન્ચ અને જિલ્લા કલેક્ટરના જિયોલોજી ડિપાર્ટમેન્ટમાં સ્વીકારવામાં આવતી હતી. કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયૂરસિંહ ડી.ગોહિલે ઈડી સમક્ષ કહ્યું હતું કે જમીનના હેતુ ફેર માટે જિલ્લા કલેક્ટર અંતિમ નિર્ણય લેતા હતા.


આર.કે. ઓઝાને 25 ટકા રૂપિયા મળતા

ઈડીની પ્રાથમિક તપાસમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે, જે મુજબ, 23 ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી સર્ચ દરમિયાન બેડમાં છુપાવેલી 67.50 લાખ રોકડ મળી હતી. આ તપાસ દરમિયાન ચંદ્રસિંહે કહ્યું હતું કે લાંચમાંથી 50 ટકા હિસ્સો જિલ્લા કલેક્ટરને મળતો હતો. 10 ટકા પોતે રાખતો હતો અને બાકીની રકમ અન્ય અધિકારીઓ, જેમ કે રેસિડન્ટ એડિશનલ કલેક્ટર આર.કે. ઓઝાને 25 ટકા મળતા હતા. મામલતદાર મયૂર દવેને 10 ટકા અને ક્લાર્ક મયૂરસિંહ ડી. ગોહિલને 5 ટકા મળતા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application