રાજકોટ રેન્જ આઈજી દ્વારા કરાયેલા આદેશ અને જિલ્લા એસપીની સૂચનાથી ગ્રામ્ય વિસ્તારમાં દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓ પર દરોડા પાડવા કરેલા આદેશના પગલે પાટણવાવ પોલીસ મથકની ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે ધોરાજીના મોટીમારડ ગામે મકાનમાં દરોડો પાડી 77 બોટલ વિદેશી દારૂ સાથે આરોપીને ઝડપી લેતા આ દારૂ માણાવદરના શખસે આપ્યાની કબુલાત આપતા તેની શોધખોળ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ ગ્રામ્યના પાટણવાવ પોલીસ મથકના એ.એસ.આઇ પ્રદીપદાન વિનુદાન ગઢવી, અને મહિપતસિંહ ગોહિલ સહિતની ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન મોટીમારડ ગામે ભાડાના મકાનમાં રહેતો એક શખસે દારૂનો જથ્થો ઉતાર્યાની હકીકત મળી હતી.
જેથી પાટણવાવ પોલીસ મથકની ટીમે મોટી મારડ ગામે આવેલ કાણીગાશેરીમાં રહેતા નરોતમભાઈના મકાનમાં ભાડેથી રહેતા સાગર રસિકભાઈ હાસલિયાના મકાનમાં દરોડો પાડ્યો હતો આ દરોડા દરમિયાન મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ બોટલ નંગ 77 કિંમત રૂપિયા 35,380 તેમજ મોબાઇલ સહિત કુલ 40,380ના મુદ્દામાલ સાથે આરોપી સાગર રસિકભાઈ હાસલિયા ઉંમર વર્ષ 35 રહે મોટીમારડ કાણીગાશેરી તાલુકો ધોરાજી વાળાની ધરપકડ કરી હતી.
ઝડપાયેલા સાગરની પૂછપરછ હાથ ધરતા આ દારૂ માણાવદરના બુટલેગર કરણ રબારી આપી ગયો હોવાની કબુલાત આપતા આરોપીની શોધખોળ શરૂ કરી છે તેમજ ઝડપાયેલા સાગરની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.