રાજકોટ લોધીકાના પાળ પીપળિયા ગામે રહેતા યુવાનને અહીં ગામમાં જ રહેતા પિતા-પુત્ર લાફા અને કડા વડે માર મારી ધમકી આપી હતી. આરોપી શેરીમાંથી નીકળતો હોય આ બાબતે કહેતા તેનો ખાર રાખી હુમલો કર્યો હતો.લોધીકામાં પાળ પીપળીયા ગામે અવધ સોસાયટીમાં રહેતા નાનજીભાઈ મેઘજીભાઈ ભજગોતર (ઉ.વ. ૩૪) દ્વારા લોધિકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં પીપળીયા ગામે જ રહેતા પ્રવીણ માકડીયા અને કાના પ્રવીણભાઈ માકડીયાના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. ૧૪/૪ ના સવારના તે સોસાયટીમાં લોક ભાગીદારીથી કેમેરા ફીટ કર્યા હોય તેના ફૂટેજ મોબાઈલમાં જોતા સોસાયટીમાં રહેતો કાનો પોતાનો એકટીવા ફુલ સ્પીડે લઈ નીકળ્યો હોય અને આ કાનો અવારનવાર સ્પીડમાં વાહન લઈ નીકળતો હોય જેથી યુવાને મોબાઇલમાં આ વીડિયો સેવ કરી સોસાયટીમાં રહેતા મિત્ર મિલન તથા રવિને મોકલ્યો હતો. બાદમાં તેમને વાત કરી હતી કે, કાનાને કહી દેજો કે મારા ઘર પાસે તેમજ સોસાયટીમાં ફૂલ સ્પીડમાં પોતાનું વાહન ન ચલાવે બાદમાં તા. ૧૫/૪ ના રાત્રીના નવેક વાગ્યે પ્રવીણ માકડીયા યુવાનના ઘરે આવ્યો હતો અને જેમફાવે તેમ બોલી કહેતો હતો કે, તને મારો દીકરો કાનો એક જ દેખાય છે બીજા બધા પણ ફૂલ સ્પીડમાં વાહન ચલાવે છે તેમ કહી યુવાનને ઝાપટો મારવા લાગ્યો હતો. દરમિયાન તેનો પુત્ર કાનો પણ આવી ગયો હતો અને યુવાન તથા તેની પત્નીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન કાનાએ હાથમાં પહેરેલું કડુ યુવાનના માથાના ભાગે મારી દેતા તેને લોહી નીકળવા લાગ્યું હતું. બાદમાં અહીં લોકો એકત્ર થઈ જતા યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારબાદ તેણે આ પિતા-પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.