જામનગર સહિત સૌરાષ્ટ્ર અને રાજયના કેટલાક ભાગમાં માવઠાના મારથી ખેડુતોની હાલત કફોડી બની છે, ખાસ કરીને પાકને ભારે નુકશાન થતા બેવડો માર પડયો છે અને ઠેર ઠેર ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. દરમ્યાનમાં ભાણવડ તાબેના માનપર ગામે રહેતા એક યુવાન ખેડૂતે ગોલ્ડ લોન લીધી હોય અને તાજેતરના વરસાદના કારણે નુકસાની થતા ચિંતાગ્રસ્ત હાલતમાં આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવના કારણે પંથકમાં ભારે અરેરાટી ફેલાઇ જવા પામી છે.
આ પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર નજીક આવેલા માનપર ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા કરશનભાઈ કેશુરભાઈ વાવણોટીયા નામના ૩૭ વર્ષના આહિર યુવાને બેંકમાંથી ગોલ્ડ લોન લીધી હતી. આ વચ્ચે તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે તેમને નુકસાની ગયેલ હોય, આ બાબતે તેમણે ડિપ્રેશનમાં આવીને શુક્રવારે કપુરડી નેસ પાછળ આવેલા એક તળાવના કાંઠે પાણીમાં ડૂબી જતા તેમનો મૃત્યુ નિપજ્યું હતું.
મૃતક યુવાન છેલ્લા પાંચેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા પણ હતા. ઉપરોક્ત બનાવ અંગેની જાણ અરસીભાઈ લખમણભાએ વાવણોટીયા (ઉ.વ. ૫૦, રહે. માનપર) એ ભાણવડ પોલીસને કરી હતી.
જેના આધારે સ્થાનીક પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી, બનાવના કારણે ભાણવડ અને આજુબાજુના વિસ્તારોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી, અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં કમોસમી વરસાદના કારણે ખેડુતોને નુકશાનીનો સામનો કરવો પડી રહયો છે, પાકને નુકશાની થઇ છે તેમજ સરકાર દ્વારા સહાય બાબતે હજુ કોઇ રકમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી, જુદા જુદા તાલુકાઓમાં સહાય બાબતે માંગણી ઉઠી છે.
આ વર્ષે સારા વરસાદ બાદ ખેડુતોએ સારો પાક મળવાની આશા સાથે વાવેતર કર્યુ હતું. દરમ્યાનમાં ચોમાસુ લંબાયુ હતું અને નવરાત્રી ઉપરાંત દિવાળી પર વરસાદ આવતા જીવ પડીકે બંધાયા હતા, દરમ્યાનમાં માવઠુ થતા પાકને નુકશાન પહોચતા ધરતીપુત્રોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે, આવા માહોલમાં ભાણવડ પંથકના ખેડુત યુવાને વ્યથીત થઇને આત્મઘાતી પગલુ ભરી લેતા શોકની લાગણી પ્રસરી ગઇ છે.