BREAKING NEWS

સુરતમાં સાત વર્ષની બાળકીની દીક્ષા પર ફેમિલી કોર્ટે રોક લગાવી

  • December 22, 2025 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
સુરતમાં સાત વર્ષની બાળકીને દીક્ષાને લઈને માતા-પિતા વચ્ચે કાયદાકીય જંગ છેડાયો છે. જો કે, સુરત ફેમિલી કોર્ટે હાલ બાળકીની દીક્ષાની વિધિઓ પર રોક લગાવી છે. બાળકીની માતાને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, દીક્ષાની કોઈ પણ પ્રક્રિયા આગળ વધારવામાં ન આવે. આથી માતાએ પોતાનું એફિડેવિટ કોર્ટમાં રજૂ કર્યું છે. હાલ બાળકીની દીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.


મળતી માહિતી મુજબ, સાત વર્ષની બાળકીની દીક્ષાને લઈને સુરતમાં ચાલી રહેલા કાયદાકીય જંગમાં અત્યાર સુધી પિતા એવો દાવો કરી રહ્યા હતા કે તેમની સંમતિ વગર અને જાણ બહાર દીક્ષા નક્કી કરવામાં આવી હતી, પરંતુ આજે ફેમિલી કોર્ટમાં બાળકીની માતાએ કેટલાક ચોંકાવનારા પુરાવા અને ફોટોગ્રાફ્સ રજૂ કરીને પિતાના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા હતા.


ફેમિલી કોર્ટમાં સુનાવણી દરમિયાન માતાએ કેટલાક પુરાવા રજૂ કર્યા હતા. જેમાં માતા તરફથી દલીલ કરવામાં આવી હતી કે, ચાર ઓક્ટોબર, શનિવારના રોજ જ્યારે આચાર્ય ભગવાન પાસે દીક્ષાની અનુમતિ લેવા માટે બાળકીને લઈ જવામાં આવી હતી ત્યારે તેના પિતા અને પરિવારના તમામ સભ્યો ત્યાં હાજર હતા. માતાએ કોર્ટમાં એવા ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા છે જેમાં પિતા દીક્ષાની પ્રક્રિયામાં સામેલ જોવા મળી રહ્યા છે.


માતાએ જણાવ્યું હતું કે, પિતાને દીક્ષા અંગેની તમામ જાણકારી હતી અને તેમની સહમતીથી જ બધું આગળ વધ્યું હતું. જો પિતાને કોઈ વાંધો હતો તો તેમણે આચાર્ય ભગવાન પાસે જઈને પોતાની લાગણી વ્યક્ત કરવાની હતી, પરંતુ સીધા કોર્ટનો આશરો લેવો એ ખૂબ જ ખેદજનક બાબત છે. બીજી તરફ, માતાએ રજૂ કરેલા ફોટા અંગે પિતાએ કોર્ટમાં પોતાની સ્પષ્ટતા રજૂ કરી હતી. પિતાએ જણાવ્યું હતું કે, તે સમયે માત્ર પત્નીની જીદ અને દબાણને કારણે તેઓ આશીર્વાદ લેવા માટે ત્યાં ગયા હતા. તે સમયે દીક્ષાની કોઈ તારીખ નક્કી થઈ નહોતી કે વિધિ અંગે કોઈ ચર્ચા થઈ નહોતી. પિતાનો દાવો છે કે તેમને દીક્ષાની અંતિમ તારીખ અને મહોત્સવ વિશેની જાણકારી ઘણી મોડી મળી હતી, જેના કારણે તેમણે દીકરીના ભવિષ્યને ધ્યાને રાખીને કોર્ટમાં અરજી કરી છે.


સુરત ફેમિલી કોર્ટમાં બંને પક્ષોની ઉગ્ર દલીલો બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો. પિતાની અજાણતાનો દાવો અને માતાના પુરાવાઓ વચ્ચે બાળકીનું ભાવિ અત્યારે કાયદાકીય ગૂંચમાં ફસાયું છે. હાલના તબક્કે કોર્ટની કાયદાકીય પ્રક્રિયા અને બાળકીની નાની ઉંમરને ધ્યાનમાં રાખીને આ દીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


મહારાષ્ટ્રમાં આ પ્રથમ વખત છે જ્યારે 59 મુમુક્ષુ એકસાથે દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે. આ પાંચ દિવસીય મહોત્સવ ચોથી ફેબ્રુઆરીથી આઠમી ફેબ્રુઆરી 2026 દરમિયાન મુંબઈના બોરીવલી ખાતે આચાર્ય સૌમસુંદરસૂરીશ્વરજી સહિત અનેક મહારાજ સાહેબના સાંનિધ્યમાં યોજાશે. આ 59 મુમુક્ષુમાં 18 પુરુષ અને 41 મહિલાનો સમાવેશ થાય છે, જેમાં 71 વર્ષના સૌથી વરિષ્ઠ મુમુક્ષુથી લઈને સુરતની આ સાત વર્ષની બાળકી સૌથી નાની મુમુક્ષુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application