વૈશ્વિક સ્તરે મની લોન્ડરિંગ (નાણાકીય હેરાફેરી) અને આતંકવાદી સંગઠનોને મળતા આર્થિક ભંડોળ (ટેરર ફંડિંગ) પર કડક નજર રાખતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) દ્વારા શનિવારે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એફએટીએફ દ્વારા આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ઈરાન અને મ્યાનમાર જેવા દેશોને ફરી એકવાર મોટો ઝટકો આપીને પોતાની હાઈ-રિસ્ક દેશોની ‘બ્લેક લિસ્ટ’ (કાલી સૂચી) માં યથાવત રાખવામાં આવ્યા છે.
મેક્સિકોના નેતૃત્વ હેઠળ ૧૯-૨૦ જૂનના રોજ ફ્રાન્સના પેરિસમાં આયોજિત કરાયેલી એફએટીએફની પૂર્ણાહુતિ બેઠકમાં આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આ વૈશ્વિક નિર્ણય અને તેના કારણે સંબંધિત દેશો પર લાગનારા આકરા આર્થિક પ્રતિબંધો અંગેનો સંપૂર્ણ વિગતવાર અહેવાલ નીચે મુજબ છે.
પેરિસમાં યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વિવિધ દેશો દ્વારા આતંકવાદને અટકાવવા માટે લેવાયેલા પગલાં અને નાણાકીય અનિયમિતતાઓ અંગેના અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા. આ સમીક્ષા રિપોર્ટના આધારે ઈરાન, ઉત્તર કોરિયા અને મ્યાનમારને એફએટીએફ તરફથી બ્લેક લિસ્ટમાં રાખવાનો નિર્ણય લેવાયો છે. સામાન્ય રીતે જે દેશો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોને નાણાકીય મદદ કે આશ્રય આપે છે, તેમને આ કાળી યાદીમાં ધકેલી દેવામાં આવે છે.
ઈરાન તરફથી પૂરતી માહિતી ન મળી
એફએટીએફના સત્તાવાર અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આતંકવાદી સંગઠનોને મળતું ભંડોળ રોકવા માટે ઈરાન સરકારે કયા નકકર પગલાં લીધા છે, તેની કોઈ પૂરતી કે સંતોષકારક માહિતી સંસ્થાને પૂરી પાડવામાં આવી નથી. આવી સ્થિતિમાં, આંતરરાષ્ટ્રીય નાણાકીય એજન્સીઓ માટે ઈરાન સાથે કોઈપણ પ્રકારની આર્થિક લેવડદેવડ કરવી અથવા તેને નાણાકીય મદદ પૂરી પાડવી અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
બહાર નીકળવા માટે નિયમોનું પાલન કરવું જ પડશે
આર્થિક નિષ્ણાતોના મતે ઈરાન, મ્યાનમાર અને ઉત્તર કોરિયા જેવા દેશોએ જો વૈશ્વિક અર્થતંત્રમાં પાછા ફરવું હોય અને આ કાળી યાદીમાંથી બહાર નીકળવું હોય, તો તેમણે એફએટીએફ દ્વારા સૂચવવામાં આવેલા મની લોન્ડરિંગ વિરોધી કડક કાયદાઓ અને ટેરર ફંડિંગ રોકવાના આંતરરાષ્ટ્રીય નિયમોનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે અને તેના ગ્રાઉન્ડ રિયાલિટીના પુરાવા આપવા પડશે.