ગુજરાતના નાયબ મામલતદાર અને ક્લાર્કના પ્રમોશન માટેની પરીક્ષાનું આયોજન
ગુજરાતના નાયબ મામલતદાર અને ક્લાર્કના પ્રમોશન માટેની પરીક્ષાનું આયોજન
May 12, 2026 02:08 PM
ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારીઓમાં નાયબ મામલતદાર અને ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અધિકારીઓ માટે આવનારા દિવસોમાં એક પરીક્ષાનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાના નાયબ મામલતદારો અને ક્લાર્કના પ્રમોશન માટેની આ પરીક્ષા મે મહિનાના અંતિમ અઠવાડિયામાં યોજાવવા જઈ રહી છે. જેનું પરીક્ષા સેન્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રાખવામાં આવ્યું છે.ગુજરાતમાં કાર્યરત વિવિધ કર્મચારીઓને પ્રમોશન મેળવવા માટે તેમજ હાયર ગ્રેડ મેળવવા માટે સમયાંતરે સરકારી પરીક્ષા આપવી પડતી હોય છે. ત્યારે આ વખતે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાયબ મામલતદારો અને ક્લાર્ક માટે એચ.આર.ક્યુ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો આવનારી તારીખ ૨૫ થી ૨૯ મે ૨૦૨૬ દરમિયાન હાયર ગ્રેડ માટેની પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષા રાજ્યમાં કાર્યરત કર્મચારીઓમાં ૨૦૧૫ પછીના ક્લાર્ક અને ૨૦૦૯ પછીના નાયબ મામલતદારો આપી શકશે. જાણવા મળતી માહિતી મુજબ, ચૂંટણી કાર્ય પૂર્ણ થતાની સાથે જ રાજકોટ કલેકટર વિભાગના નાયબ મામલતદારો અને તમામ ક્લાર્ક આ પરીક્ષા પાસ કરવા માટે તડામાર તૈયારી કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી નિયમ મુજબ જે કોઈ અધિકારી અને કર્મચારીને પોતાની કારકિર્દીમાં હાયર ગ્રેડ પર જવું હોય તેઓએ આ પરીક્ષા પાસ કરવી અતી અનિવાર્ય હોય છે. જે કોઈ અધિકારી અને કર્મચારી આ પરીક્ષા પાસ કરવામાં સફળ નથી રહેતા તેઓનો હાયર ગ્રેડ મંજૂર કરવામાં આવતો નથી.