રાજકોટના એસ્ટેટ બ્રોકરે જેતપુરના મોણપરની જમીન ખરીદ્યા બાદ હજુ હીસાબ બાકી છે કહી વધારાના ૨૫ લાખ પડાવ્યા: હજુ પણ ડબલ પૈસાની માંગી ઘરે આવી છરી બતાવી ધમકી આપી હતી.જે અંગે મોણપરના શખસ સહિત પાંચ સામે ગુનો નોંધાયો છે.
રાજકોટમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે અમૃતા સોસાયટીમાં જતન એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 401 માં રહેતા એસ્ટેટ બ્રોકર કાનજીભાઈ કલ્યાણજીભાઈ કાનકડ (ઉ.વ. 64) દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે જોરૂ મંગુભાઈ ધાધલ (રહે. મોણપર તા.જેતપુર), ઉદય ખુમાણ(રહે. અંટાળીયા, અમરેલી) નીલેશ ધાધલ(રહે. મોણપર) અને અંકિત (રહે. વીરપુર) તેમજ એક અજાણ્યા શખસનું નામ આપ્યું છે.
કાનજીભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2014માં જેતપુરના મોણપર ગામે રેવન્યુ સર્વે નંબર 126 ની કુલ જમીન પૈકી ક્ષેત્રફળ હેક્ટર 4.30.99 ચોરસ મીટર જીયારત પ્રકારની ખેતીની જમીન મંગુભાઈ ધાધલ અને ગબરૂભાઇ ધાધલ (રહે. બંને મોણપર) પાસેથી રૂ.16 લાખમાં ફરિયાદીએ તેના સગા ભાણેજ રજનીકાંત કયાડા (રહે. પરબવાવડી તા. ભેંસાણ) ના નામે ખરીદી હતી આ જમીન ખેતી કરવા લાયક ન હોય જેથી પડતર હતી અને આ જગ્યામાં ઘાસચારો ચરાવવા માટે મંગુભાઈ ધાધલનો દીકરો જોરૂભાઈ ધાધલ તેમની ભેંસ છૂટી મુકી દેતા હતા આ બાબતે તેને કહેતા તેણે કહ્યું હતું કે, ભલે તમે મારા બાપુજી પાસેથી આ જગ્યા વેચાતી લઈ લીધી હોય પરંતુ માલ ઢોર આ જગ્યામાં જ ચરવા આવશે અને આ જગ્યાની કિંમત ઉપરાંત તમારે વધારાના રૂપિયા 35 લાખ આપવા પડશે. જે પૈકી કટકે કટકે જોરૂ ધાધલને આજ દિવસ સુધીમાં કુલ રૂપિયા 10.20 લાખ આપી દીધા હતા અને જમીનની દલાલી પેટે મુન્ના મોણપરવાળને રૂપિયા ૧૫ લાખ આપવાનું જોરુભાઈ ધાધલે કહેતા જે દલાલી પેટે ફરિયાદીએ સ્કોર્પિયો કાર જેની કિંમત રૂપિયા 9 લાખ ગણી બાકીના છ લાખ રૂપિયા રોકડા ચૂકવી દીધા હતા તેમ છતાં જોરૂ ધાધલ હજુ ડબલ રૂપિયાની માંગણી કરે છે.
દરમિયાન ગઈ તારીખ 8/1/2026 ના ફરિયાદી ઘરે હતા ત્યારે રાત્રિના જોરૂ ધાધલના સાળા ઉદય ખુમાણનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમે જોરુભાઈને પૈસા આપવાની કેમ ના પાડી જેથી ફરિયાદીએ કહ્યું હતું કે, મારે કોઈ પૈસા દેવાના બાકી નથી અને મારે જે રૂપિયા જોરૂભાઈને ચૂકવવાના થતા હતા તે તમામ રૂપિયા મેં આપી દીધા છે જેની રસીદ પણ મારી પાસે છે જેથી આ ઉદયભાઇએ કહ્યું હતું કે, હું અને મારા બનેવી જોરુભાઈ શનિવારે તમને મળવા રાજકોટ આવીશું ઘરે હાજર રહેજો.
બાદમાં તા.10 ના સાંજના પોણા સાત વાગ્યા આસપાસ ફરિયાદી ઘરે હાજર હતા ત્યારે ઉદય ખુમાણનો ફરી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, અમે તમારા ઘર નીચે આવી ગયા છીએ તમને મળવું છે જેથી ફરિયાદી એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલ મિત્ર હેતુલ શાહનો ફ્લેટ હોય જેની ચાવી કોઈ ફરિયાદી પાસે હોવાથી તેઓ અહીં મળ્યા હતા અહીં જોરૂભાઈ તેનો સાળો ઉદય તથા મોણપર ગામનો નિલેશ આવ્યા હતા અને તેની સાથે અંકિત તથા એક અજાણ્યો શખસ પણ હતો જે બંને નીચે ઊભા હતા જોરુભાઈએ ફરિયાદીને કહ્યું હતું કે, શું મારો હિસાબ બાકી છે મારો હિસાબ લાવું જેથી ફરિયાદીએ કહ્યું હતું કે કોઈ હિસાબ બાકી નથી તમામ રૂપિયા ચૂકવી આપ્યા છે જેથી ઉશ્કેરાય કહ્યું હતું કે, બાકીના રૂપિયા તો તમારે આપવા જ પડશે નહીંતર કોઈને જીવતા નહીં રહેવા દઉ તેની સાથે આવેલા નિલેશે કહ્યું હતું કે હવે તમે જેટલા જમીનના રૂપિયા આપ્યા છે એના ડબલ રૂપિયા આપવા પડશે અને ઉદય પણ ધમકી આપી હતી કે રૂપિયા તો આપવા જ પડશે નહીંતર મજા નહીં આવે ફ્લેટમાંથી બહાર જતી વેળાએ અંકિતે છરી કાઢી હતી અને ફરિયાદીને ધમકાવ્યા હતા અને કહ્યું હતું કે તમારી જમીન પર આવી જુઓ પતાવી દઈશું.
આમ આરોપીઓ હિસાબના પૈસા દેવાના બાકી છે તેમ કહી ખોટી રીતે મોટી રકમની ખંડણીની ઉઘરાણી કરતા હોય અને પૈસા આપવાની ના પાડતા સ્ટેટ બ્રોકર તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા અંતે તેમણે આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ધમકી, ખંડણી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ વી.ડી. રાવલીયા તથા ટીમે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.