ગોંડલમાં એકસપોર્ટ-ઈમ્પોર્ટમાં રોકાણના નામે દંપતી અને તેના સાળાએ મળી કોમ્પ્યુટર ઈજનેર યુવાન સાથે ૧.૩૭ કરોડની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધવવામાં આવી છે. ઇજનેર યુવાનને નફા પર ચાર ટકા કમિશનની લાલચ આપી રોકાણ કરાવી પૈસા પરત આપ્યા ન હતાં.ગોંડલમાં ગુંદાળા રોડ, જય સરદાર રેસીડેન્સીમાં રહેતાં રવિભાઈ કેશવભાઈ રામોલીયા (ઉ.વ.૩૧) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સોનલબેન જગદીશ દુધાત્રા, ઉર્વીષ પટેલ અને ઉત્સવ જગદીશ દુધાત્રાનું નામ આપતાં ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસે છેતરપિંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે ભોજપરા ગામની સીમમા રીધ્ધી ડીસ્પ્લે ઈકવીપમેન્ટ નામની કંપનીમા છેલ્લા ૧૧ વર્ષથી નોકરી કરે છે.તેને કોમ્પ્યુટર એન્જીનીયરીંગનો અભ્યાસ કરેલ છે.
તે અને સોનલબેન દુધાત્રા રીધ્ધી ઇકવીપમેન્ટ કંપનીમા વર્ષ ૨૦૧૮ મા સાથે નોકરી કરતા ત્યારથી પરિચિત છે. વર્ષ ૨૦૧૯ માં સોનલબેન દુધાત્રા કંપનીમાંથી નોકરી છોડી બીજી કંપનીમા જતા રહેલ હતા. નોકરી છોડયા બાદ તેમની સાથે અવાર નવાર ફોનમાં વાતચીત થતી હતી. વર્ષ ૨૦૨૦ મા સોનલબેન એક દીવસ ઘરે આવેલ અને યુવાન અને તેના બાપુજીને વાત કરેલ કે, હું તથા મારો ભાઈ ઉત્સવ બન્નેએ ગોંડલમાં એકસપોર્ટ ઈમ્પોર્ટનુ ચાલુ કર્યું છે.
વધુમાં ઉમેર્યું કે, અમને ૮ થી ૧૦ ટકા જેવુ પ્રોફીટ મળે છે, પરંતુ હાલ અમારી પાસે પૈસા નથી તમે રોકાણ કરો તો અમે તમને ૪ ટકા નફો આપશુ, જેથી સોનલબેનના કહેવાથી રૂ. ૧ લાખ રોકાણ કરેલ બાદ ત્રણ મહીના સુધી માસીક ૪ ટકા લેખે સમયસર નફો આપેલ અને કહેલ કે, તમે રોકાણ વધારો જેથી યુવાન રોકાણની રકમ વધારતો ગયો અને ધીરે ધીરે એકાદ વર્ષમા રૂ.૨૫ લાખ લાખ જેટલું રોકાણ કરેલ ત્યારે પણ સમયસર ૪ ટકા નફો આપેલ હતો.
જે બાદ આ સોનલ પટેલે જણાવેલ કે, તમે વધારે રોકાણ કરશો તો તમને વધારે નફો મળશે. જેથી આ વાત બાપુજીને કરતા તેઓએ હા પાડતા પોતાનું મકાન તથા એક શેડ વેચી પાછા રૂ.૬૦ લાખ બાદમાં રૂ.૧૫ લાખ બનેવી પાસેથી તથા ૧૫ લાખ સાઢુભાઈ પાસેથી લઇ ફરી રૂ.૩૦ લાખનું રોકાણ કર્યું હતું. તેમજ તેમની પાસે એક પ્લોટ હોય તે વેચીને ફરી રૂ.૩૦ લાખ આપ્યા હતાં.
જે તમમ રકમ વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૩ સુધી આપેલ હતી. દરમિયાન વર્ષ ૨૦૨૧ મા આ સોનલબેનના લગ્ન થયેલ અને લગ્નની કંકોતરી પણ આપી હતી. લગ્ન પહેલા આ સોનલબેન તથા તેનો ભાઈ ઉત્સવ સાથે જ હતા. ઘણી વખત રોકાણના પૈસા આ ઉત્સવ રોકડા લેવા પણ આવતો હતો અને સોનલબેનના લગ્ન બાદ તેના પતિ ઉર્વીસ પણ આ ધંધામા સાથે સામેલ થયો હતો. વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૩ સુધી આ બન્ને જણા દુબઈ જતા રહેલ અને ત્યાંથી જ એકસપોર્ટ ઇમ્પોર્ટનો બીઝનેશ કરતા હતા.
ભારતની અંદર તેનો ભાઈ ઉત્સવ આ લોકોનો વહીવટ સંભાળતો હતો. બંને ભાઈ-બહેને ગોંડલમા રીલાયન્સ પંપની બાજુમા આવેલ તુલશી રસ્કવેર કોમ્પ્લેક્સમા કર્તવ્ય ઇન કોર્પોરેશન નામથી ઓફીસ પણ ખોલેલ હતી અને આ ઓફીસ ઉત્સવ સંભાળતો હતો.
આ લોકોની પેઢીમા રોકેલ કુલ રૂ.૧,૩૭,૪૮,૪૦૦ માથી રકમના નફા પેટે રૂ. ૬૦,૧૧,૧૪૧ વર્ષ ૨૦૨૩ સુધીમા પરત કરેલ હતા. જે બાદ આ લોકો નફો આપતા ન હોય કે કરેલ રોકાણ પરત કરતા ન હોય જેથી અવાર નવાર રૂપીયા પરત આપવા કહેતા આ લોકો વાયદા આપતા હોય જેથી પોલીસ ફરીયાદ કરવાનુ કહેતા આ લોકોએ બે વાર રૂ.૫૦ હજાર જમા કરાવેલ જે બાદ આ લોકોને પોલીસ ફરીયાદ કરવાનું કહેતા ધમકી આપેલ કે, જો પોલીસ ફરીયાદ કરશો તો તમારા રૂપીયા ભુલી જજો તેમ જણાવેલ હતું. જેથી અંતે યુવાને રૂ.૧.૩૭ કરોડની છેતરપિંડી થયા અંગે આ ફરિયાદ નોંધાવી હતી.
દંપતીએ બગદાદાના વેપારીને પણ રૂ.૧.૬૩ કરોડનો ધુંબો માર્યો હતો
આરોપી સોનલ દુધાત્રા અને તેનો પતિ ઉર્વીષે અગાઉ ઇરાકના વેપારી સાથે રૂ.૧.૬૩ કરોડની છેતરપિંડી કરી હતી. બગદાદ સ્થિત કંપનીના માલીકને વોટ્સએપ કોલ કરી ગોંડલની કર્તવ્ય પેઢીના સોનલ અને ઉર્વીષ પટેલે તે તલ-મગફળીના મોટા વેપારી છે, મોટા મોટા દેશોમા વેપાર કરી માલ એકસપોર્ટ કરે છે કહીં વેપારીને શિશામાં ઉતાર્યા હતાં. ૧૦૮ મેટ્રીક ટન મગફળી તથા ૫૪ મેટ્રીક ટન તલના ૧,૮૭, ૯૨૦ ડોલર મેળવી હાથ ઊંચા કરી દિધા હતાં. જે મામલે પણ ફરીયાદ નોંધાઈ હતી.