BREAKING NEWS

જામનગરમાં ગુલાબનગર ઓવરબ્રીજની મસમોટી કડમાં ખાબકતા વાહનચાલકો..!

  • November 05, 2025 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં ગુલાબનગર ઓવરબ્રીજની મસમોટી કડમાં વાહનચાલકો ખાબકી રહ્યા હોય જીવલેણ દુઘર્ટનાની ભીતિ ઉભી થઇ છે. એકાદ વર્ષ પૂર્વે કરેલી રીપેરીંગની કામગીરી બાદ પુલના માર્ગની ઉંચાઇ વધતા બંને બાજુ બે-બે ફુટની ખાડા સમાન કડ અકસ્મ્ાાતને આમંત્રણ આપી રહી છે. ખાસ કરીને નાના વાહનોના વ્હીલ કડમાં ઘૂસી જતા ચાલકો બ્રીજની દિવાલ સાથે અથડાતા હોવાની ફરિયાદો સામાન્ય બની છે. ત્યારે પુલ પાછળ તોતીંગ ખર્ચ બાદ યોગ્ય જાળવણીમાં ઘોર બેદરકારીની રાવ પણ શહેરીજનોમાં ઉઠી છે.


જામનગર શહેરના પ્રવેશદ્રાર ગુલાબનગર પાસે રાજકોટ જતા મુખ્ય માર્ગ પર રેલવે ફાટકના કારણે વાહન વ્યવહાર અવરોધાતા તંત્ર દ્રારા આ સ્થળે ઓવરબ્રીજ બનાવામાં આવ્યો છે. આથી આવાગમન સરળ બન્યું છે. પરંતુ મસમોટા ખર્ચે બનાવામાં આવેલા ઓવરબ્રીજની જાળવણીમાં તંત્ર નિષ્ફળ રહ્યાની સ્થિતિ પ્રર્વતી રહી છે. કારણ કે,ઓવરબ્રીજના માર્ગનું ધોવાણ થતા તંત્ર દ્રારા આ માર્ગનું સમારકામ એટલે કે નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ કામગીરી કેવી રીતે કરવામાં આવી તે સમજાતું નથી. કારણ કે, સમારકામની કામગીરી બાદ પુલના માર્ગની ઉંંચાઇ વધી ગઇ છે.

​​​​​​​જેના કારણે ઓવરબ્રીજની બંને બાજુ બે-બે ફુટના ખાડા હોય તેવી કડ એટલે કે માર્ગ અને પુલની દિવાલ વચ્ચે જગ્યા થઇ ગઇ છે. જેના કારણે આ ઓવરબ્રીજ પરથી પસાર થતાં નાના વાહનોના વ્હીલ આ કડમાં ફસાતા અકસ્માત થઇ રહ્યાની ફરિયાદો સામાન્ય બની છે. જેના કારણે આ વાહનોના ચાલકો પુલની દીવાલમાં અથડાઇ છે. ખાસ કરીને આ પુલ પરથી ભારે વાહનો પસાર થઇ રહ્યા હોય ત્યારે ટુ-વ્હીલર સહીતના નાના વાહનના ચાલક પોતાનું વાહન સાઇડમાં લેતા પુલની કડમાં નાના વાહનનું વ્હીલ ઘૂસી જાય છે. આથી વાહનચાલકો પર જીવલેણ અકસ્માતનો ખતરો ઝંળુબી રહ્યો છે. 


નવાઇની વાત તો એ છે કે, છેલ્લા ઘણાં સમયથી ગુલાબનગર ઓવરબ્રીજ પર આ સમસ્યા પ્રર્વતી રહી છે. આમ છતાં હજુ સુધી તંત્ર દ્રારા કોઇ પગલાં લેવાયા નથી. જેના કારણે પુલની બંને બાજુ કડમાં અમુક સ્થળે તો ઝાડી-ઝાખરા ઉગી નીકળ્યા છે. ખાસ કરીને રાત્રીના સમયે પુલની બંને બાજુ આવેલી ખાડા સમાન કડ વાહનચાલકો સામેથી આવતા વાહનોની લાઇટના કારણે જોઇ શકતા નથી. આથી કડમાં વાહનો ઘૂસી જવાનું પ્રમાણ વધી જાય છે.


ઓવરબ્રીજની મસમોટી કડમાં વાહનો ફસડાઇ પડતા ચાલકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા હોવા છતાં આ  જીવલેણ અકસ્માતને આમંત્રણ આપતી આ કડની સમસ્યાના નિરાકરણને બદલે તંત્ર ગાંધારીની ભૂમિકા ભજવતા શહેરીજનોમાં ભારે રોષની સાથે અનેક સવાલ ઉઠ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application