આંતરરાષ્ટ્રીય નશાબંધી દિવસે જામનગર પોલીસની ભવ્ય જનજાગૃતિ રેલી
નશામુક્ત સમાજ અને સાયબર સુરક્ષા અંગે નાગરિકોને કરાયું માર્ગદર્શન
આંતરરાષ્ટ્રીય નશાખોરી અને માદક પદાર્થોના ગેરકાયદેસર વ્યાપાર વિરોધી દિવસ નિમિત્તે જામનગર જિલ્લા પોલીસ દ્વારા ‘નાર્કોટિક્સ જનજાગૃતિ અભિયાન’ અંતર્ગત શહેરમાં ભવ્ય જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનો મુખ્ય હેતુ યુવાધનને નશાના દૂષણથી દૂર રાખવા તેમજ નશામુક્ત જામનગરના નિર્માણ માટે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો હતો.
રેલીમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, યુવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સહભાગીઓએ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ સાથે “નશાને ના કહો, જીવનને હા કહો” જેવા પ્રેરણાદાયી સંદેશાઓ આપી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ પ્રસંગે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પણ સાયબર સુરક્ષા અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડિજિટલ અરેસ્ટ, ઇન્સ્ટન્ટ લોન એપ દ્વારા થતી છેતરપિંડી, સોશિયલ મીડિયા સુરક્ષા સહિતના મુદ્દાઓ અંગે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. વિવિધ પ્લેકાર્ડ્સ અને સંદેશાઓ દ્વારા લોકોને સાયબર ગુનાઓથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી.
રેલી દરમિયાન નશાખોરીના દૂષણ સામે લડવા “નશાને છોડો, ઘર-પરિવાર અને દેશ બચાવો”નો સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ સાયબર નાણાકીય છેતરપિંડીનો ભોગ બનનાર નાગરિકોને તાત્કાલિક સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ પર સંપર્ક કરવાની માહિતી પણ આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ માટે મજબૂત પાસવર્ડ રાખવા તેમજ અજાણી લિંક્સ અને શંકાસ્પદ લોન એપ્સથી દૂર રહેવા અંગે પણ માર્ગદર્શન અપાયું હતું.
જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની એ જણાવ્યું હતું કે પોલીસ વિભાગ માત્ર કાયદો અને વ્યવસ્થાની જાળવણી પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમાજને નશામુક્ત અને સાયબર સુરક્ષિત બનાવવા માટે પણ સતત પ્રયાસશીલ છે. નાગરિકોના સહયોગથી જ સુરક્ષિત, સ્વસ્થ અને જાગૃત સમાજનું નિર્માણ શક્ય બનશે તેમ તેમણે ઉમેર્યું હતું.