શાપર (વેરાવળ)માં પખવાડિયા પહેલા રાત્રીના ઘરમાં ઘુસી વૃધ્ધને બંધક બનાવી રૂ.2.49 કરોડની લૂંટ ચલાવવાના ચકચારી બનાવમાં જિલ્લા પોલીસે જુદી જુદી ટિમ બનાવી લૂંટારુ ટોળકીના પગેરું મેળવવા કમરકસતા અંતે પગેરું મેળવવામાં સફળતા મળી છે, ગ્રામ્ય પોલીસે લૂંટમાં સંડોવાયેલી ટોળકીના સાગરીતોને સંકજામાં લઈ અન્ય સાગરીતોની શોધખોળ હાથ ધરી લૂંટમાં ગયેલી રોકડ રિકવર કરવા તજવીજ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગત શુક્રવારની રાત્રીના શાપરમાં રહેતાં રાજવી જીતેન્દ્રસિંહ જાડેજા ઘરે સુતા હતા ત્યારે બે વાગ્યાની આસપાસ મોઢે રૂમાલ બાંધેલી ટોળકી ઘરમાં ત્રાટકતા અવાજ થતાની સાથે વૃધ્ધ જાગી ગયા હતા આથી ટોળકીના સાગરિતે વૃધ્ધની છાતી ઉપર પગ મૂકી મોઢે ડૂમો દઈ અન્ય સાગરીતોની મદદથી રોકડ રૂ.૨.૪૭ કરોડ, રાયફલ, મોબાઈલ સહિત રૂ.૨.૪૯ કરોડની મતાની લૂંટ ચલાવી નાશી ગયા હતા.
આ ચકચારી લૂંટની ઘટનાને પગલે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં અને ડોગ સ્કવોર્ડ, એફએસએલ સહિતની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ તપાસમાં રૂરલ એલસીબી, એસઓજી, સ્થાનીક પોલીસ, રેન્જ આઈજીની ટીમ તેમજ રાજકોટ સીટી ક્રાઈમ બ્રાન્ચની ટીમ જોડાઈ આરોપીઓને ઝડપી લેવા નાકાબંધી કરી હતી. પરંતુ લુટારુઓની કોઈ ભાળ ન મળતા પોલીસે જુદી જુદી ટિમ બનાવી બનાવ સ્થળ સમયેના શંકાસ્પદ મોબાઈલ નંબરોનું લોકેશન ટ્રેસ કરવાની સાથે લૂંટના સમયે થયેલા ઇન્ટરનેટ કોલિંગ અને શંકાસ્પદ કમ્યુનિકેશન પર તપાસ કેન્દ્રિત કરવાની સાથે 500થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. દરમિયાન તેમાં લૂંટારુ ટોળકીના સાગરીતો જોવા મળતા સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ લંબાવતા આ તપાસ લૂંટારુ ટોળકીના સાગરીતો સુધી અન્ય રાજ્યમાં પહોંચતા રાજકોટ ગ્રામ્ય પોલીસે ટોળકીના સાગરીતોને દબોચી લઇ સફળતા મેળવી છે, ત્રણેક સાગરીતોની આગવી ઢબે પુછપરછ હાથ ધરી અન્ય શખસો સુધી પહોંચવા પણ ટીમને રવાના કરવામાં આવી છે, લૂંટની રકમ, રાયફલ સહિતનો મુદામાલ પણ કબ્જે કરવા તજવીજ હાથ ધરાઈ છે.