રાજકોટના લોધીકાના રાવકી ગામે 510 ચોરસવાર જમીન પચાવી પાડી તેની ઉપર કારખાનું ખડકી દેનાર ત્રણ શખસો સામે ટીડીઓની ફરિયાદના આધારે લોધીકા પોલીસમાં લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
લોધીકા તાલુકા વિકાસ અધિકારી જે. આર. બોરીચાએ લોધીકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે શૈલેષ નાગજીભાઈ ફાચરા, અશોક મૂળજીભાઈ ઠુંમર અને અતુલ વિઠ્ઠલભાઈ વરસાણીનું નામ આપતા જણાવ્યું હતું કે, લોધીકા તાલુકાના રાવકી ગામની રેવન્યુ સર્વે નંબર 221 ની જમીન હાલ જનરલ ઉદ્યોગના હેતુ માટે બિનખેતી પરવાનગી મળેલી છે, જે બિનખેતી નાગજીભાઈ લાધાભાઈ ફાચરાના નામે થયેલ છે. સર્વે નં.-220 શૈલેષભાઈ નાગજીભાઈ ફાચરાના નામે ખેતીની જમીન આવેલ છે. સર્વે નંબર 221 ની બિનખેતી થયેલ જમીનને લાગુ ગૌચરની જમીન સર્વે નંબર 210 આવેલ છે, જે ગૌચરની જમીનમાં શૈલેષ ફાચરા દ્વારા વર્ષ 2023 સુધી વાવેતર કરવામાં આવતું હતું. ત્યારબાદ આ જમીન ઉપર સિમેન્ટના બ્લોક તથા સિમેન્ટને લગતી અન્ય સામગ્રી બનાવવામાં આવતી હતી. જેથી શૈલેષ ફાચરા દ્વારા ગૌચરની જમીનમાં કોમર્શિયલ હેતુ સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેવું ધ્યાનમાં આવ્યું હતું.
જે બાબતે શૈલેષ ફાચરાનું નિવેદન લેવાતા તેણે અશોક ઠુંમર અને અતુલ વરસાણી સાથે મળી ગૌચરની 510 વાર જમીન પર દબાણ કરી કોમર્શિયલ પ્રવૃતિ કર્યાનું સામે આવ્યું હતું. જેના આધારે સરકારી ગૌચરની જમીન ઉપર દબાણ કરી કોમર્શિયલ ઉપયોગ કરતા શખ્સો વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમની કલમો હેઠળ કાર્યવાહી કરવા લોધીકા મામલતદાર દ્વારા દરખાસ્ત મોકલવામાં આવેલ હતી. જે દરખાસ્ત મામલે જિલ્લા કલેકટર દ્વારા સૂઓમોટો લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવવા આદેશ કરવામાં આવ્યો હતો. જેથી તાલુકા વિકાસ અધિકારીએ ત્રણેય ભુમાફિયાઓ વિરુદ્ધ લોધિકા તાલુકાની રાવકી ગામની સરકારી ગૌચરની જમીન સર્વે નંબર 210 ના આશરે 510 ચોરસ વાર જમીન પર કબજો કરનાર ત્રણે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવીજમીનનો કબ્જો મેળવવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application