BREAKING NEWS

ધો.૧૨ માં ઓછા માર્કસ આવ્યા બાદ હતાશ રહેતા યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત

  • February 21, 2026 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરમાં કોઠારીયા રોડ પર માધવ પાર્કમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.યુવાનને ધો.૧૨ માં ઓછા માર્ક આવતા આ પગલું ભરી લીધાનું માલુમ પડયું છે. બનાવને લઇ પરિવારમાં માતમ છવાય ગયો હતો.


જાણવા મળતી માહિતી મુજબ, ઋષી વિનોદભાઈ દોંગા (ઉં.વ.21, રહે.માધવ પાર્ક મેઇન રોડ ન્યાયકરણ ડેરી ફાર્મ પાસે, રાજકોટ)એ ગઈકાલે સાંજે પોણા પાંચેક વાગ્યાં આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો.પરિવારને જાણ થતા 108 માં જાણ કરી હતી. જેથી 108 ના ઇ.એમ.ટી. નેહાબેન એમ્બ્યુલન્સ સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને રિષિને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. આ અંગે આજીડેમ પોલીસને જાણ કરાતા એએસઆઈ જે.કે.કુરીયા તેમની ટીમ સાથે દોડી ગયા હતા. જરૂરી કાગળ કાર્યવાહી કરીને યુવકનો મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પરિવારજનોની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ઋષી બે ભાઈમાં નાનો હતો તેમના માતા-પિતા ગામડે રહે છે અહીં ભાઈ - ભાભી સાથે રહેતો હતો.


ભાઈ પોતાના કામ પર ગયા અને ભાભી નજીકમાં જ એક લગ્ન પ્રસંગ હોય ત્યાં ગયા હતા. ઋષી ઘરે એકલો હતો ત્યારે તેણે ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધી હતી. યુવાનના પિતા ખેતી કામ કરે છે. પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું કે, એકાદ વર્ષ પહેલા ઋષી ધો.12માં ઓછા ટકા આવ્યા હતા. જે બાદથી તે નિરાશ રહેતો હતો. જેના કારણે આ પગલું ભર્યાનું અનુમાન છે. બનાવને લઇ પરિવારમાં માતમ છવાય ગયો હતો.


જયારે અન્ય એક બનાવમાં થોરાળા વિસ્તારમાં આવેલા આંબેડકરનગર શેરી નં.૧૦ માં રહેતા એભલ હરેશભાઇ વાળા(ઉ.વ. ૧૭) નામના સગીરે રૂમમાં દુપડા વડે ફાંસો ખાઇ લીધો હતો.જે અંગેની જાણ થતા ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી. ૧૦૮ ની ટીમે અહીં આવી જોઇ તપાસી સગીરને મૃત જાહેર કર્યો હતો. સગીર મજુરી કામ કરી પરિવારને આર્થિક મદદરૂપ બનતો હતો. સગીરે કયાં કારણસર આ પગલું ભરી લીધું તે અંગે પરિવારજનો અજાણ હોય પોલીસે સગીરના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application