ટ્રમ્પના ટેરીફ બોમ્બ અને ભારતના રશિયા પાસેથી તેલ ખરીદી સહિતના મૂદે છેલ્લા થોડા સમયથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વિચલિત બન્યા હતા,જો કે હવે તેમાં સુધાર આવ્યો હોવાનું અને ટ્રમ્પ તેમજ મોદી અવાર નવાર નવા વેપાર સોદા અને તેલ ખરીદી સહિતના વિષયે ચર્ચા કરતા હોવાની , વાતચીત કરતા હોવાની જાહેરાત વ્હાઇટ હાઉસના સુત્રોએ કરી છે . વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ વડા પ્રધાન મોદી પ્રત્યે ખૂબ માન ધરાવે છે અને તેમની સાથે વારંવાર વાત કરે છે. તેમણે જણાવ્યું હતું કે વેપાર અને આર્થિક સહયોગ અંગે બંને દેશો વચ્ચે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે, જે દર્શાવે છે કે વાટાઘાટો યોગ્ય દિશામાં આગળ વધી રહી છે.
લેવિટે એ પણ નોંધ્યું હતું કે ટ્રમ્પે તાજેતરમાં દિવાળી નિમિત્તે વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં મોદી સાથે વાત કરી હતી. ઘણા વરિષ્ઠ ભારતીય-અમેરિકન અધિકારીઓ પણ હાજર હતા. તેમણે કહ્યું, "રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત-અમેરિકન સંબંધો પ્રત્યે ખૂબ જ સકારાત્મક છે અને આ સંબંધને ખૂબ જ મજબૂત રીતે આગળ વધારવા માંગે છે. તેમણે નવી દિલ્હીમાં યુએસ વતી રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવામાં સક્રિય ભૂમિકા ભજવી રહેલા યુએસ રાજદૂત સર્જિયો ગોરની પણ પ્રશંસા કરી.
વેપાર વિવાદ પછી સંબંધોમાં સુધારાના સંકેતો
ગયા અઠવાડિયે દક્ષિણ કોરિયાની મુલાકાત દરમિયાન, ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ભારત સાથે એક નવો વેપાર કરાર કરવા માંગે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. હકીકતમાં, ભારત દ્વારા રશિયન તેલની ખરીદી ચાલુ રાખવાને કારણે વોશિંગ્ટને ભારતીય આયાત પર ટેરિફ 25% થી વધારીને 50% કર્યો હતો.અમેરિકાએ 30 જુલાઈના રોજ આ વધારાની જાહેરાત કરી હતી, અને એક અઠવાડિયા પછી વધારાની 25% ડ્યુટી લાદવામાં આવી હતી. જોકે, રશિયાની મુખ્ય તેલ કંપનીઓ, રોઝનેફ્ટ અને લુકોઇલ પર નવા યુએસ પ્રતિબંધો લાદવામાં આવ્યા બાદ, ભારતીય તેલ કંપનીઓએ રશિયન ક્રૂડ ઓઇલની આયાત ઘટાડી દીધી છે.વિશ્લેષકો માને છે કે આ વિકાસ ભારત-અમેરિકા સંબંધોમાં નવી હૂંફનો સંકેત આપે છે. વ્હાઇટ હાઉસના તાજેતરના નિવેદનો એ પણ સૂચવે છે કે આગામી મહિનાઓમાં બંને દેશો વચ્ચે વેપાર ભાગીદારી અને વ્યૂહાત્મક સહયોગ વધુ વેગ મેળવી શકે છે.