રાજકોટ શહેરમાં વાઇબ્રન્ટ કોન્ફરન્સ, સંદર્ભે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ, ટોચના દેશ વિદેશના ઉદ્યોગપતિઓનો મારવાડી યુનિવર્સિટીમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોય એસઓજી દ્વારા શહેરના અલગ અલગ હોટેલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું,દરમિયાન હોટેલ લેમન ટ્રી, પેરામાઉન્ટ ઈન અને સ્વાગતમ ઈનમાં મુસાફરોની એન્ટ્રી પથીક સોફ્ટવેરમાં નહિ કરાયાનું ધ્યાને આવતા ત્રણેય હોટેલના સંચાલકો વિરુદ્ધ જાહેરનામાનો ભંગ કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટમાં આગામી તા ૧૧/૧/૨૦૨૬ થી યોજાઈ રહેલ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી,ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ અને દેશ-વિદેશના ટોચના ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં હાજર રહેનાર હોય તે અનુસંધાને સલામતી અને સાવચેતીના ભાગરૂપે અનિચ્છનીય બનાવ બનતા અટકાવવા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ શહેરની એસઓજી બ્રાન્ચના પીઆઈ એસ એમ જાડેજાના નેતૃત્વ હેઠળ પીએસઆઇ વી વી ધ્રાંગુ, એમ વી જાડેજા,પીએસઆઇ એસ બી ઘાસુરા, વી કે ઝાલા સહિતની ટીમો દ્વારા રાત્રીના અલગ અલગ હોટેલોમાં ચેકિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી.
આ દરમિયાન રેસકોર્સ નજીક જિલ્લા પંચાયત ચોક ખાતે આવેલ હોટેલ લેમન ટ્રીમાં ચેકિંગ કરી હોટેલમાં ઉતરેલા ગેસ્ટ રજિસ્ટેશન તેમજ લેમન ટ્રી હોટલમાં રોકાયેલા મુસાફરોની એન્ટ્રી પથિક સોફ્ટવેરમાં નહીં થયાનું ધ્યાને આવતા એસઓજીની ટીમે હોટલના મેનેજર સોયબ ફારુકભાઈ શેખ ઉવ 30 રહે. નીલ સીટી, બ્લોક નં-3, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક, રાજકોટ મૂળ રહે. ઉના,ગીર સોમનાથ વિરુદ્ધ પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.
જ્યારે વધુમાં એસઓજીની ટીમે શરૂ કરેલ ચેકિંગમાં મોટી ટાંકી ચોક નજીક આવેલ હોટલ સ્વાગતમ ઈન ખાતે ચેકિંગ કરતા અહીં પણ મુસાફરોની એન્ટ્રી પથિક સોફ્ટવેરમાં નહીં કરાયાનું ધ્યાને આવતા એસઓજીની ટીમે મેનેજર પ્રદીપ જગદીશભાઈ ઘાઘરેટીયા રહે મનહર પ્લોટ શેરી નં.-3, રાજકોટ મૂળ રહે. વિછીયા,રાજકોટ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત શહેર એસઓજીએ દરમિયાન લીમડા ચોક નજીક આવેલ પેરામાઉન્ટ ઇન હોટેલ ખાતે પણ પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર મુસાફરોની એન્ટ્રી પથીક સોફ્ટવેરમાં નહીં કર્યાનું ધ્યાને આવતા હોટલ મેનેજર સુમંત રતિલાલભાઈ વ્યાસ ઉવ 42 રહે. અમરનગર-2, શેરી નં.-7, મવડી, રાજકોટ મૂળ રહે. સાવરકુંડલા,જિલ્લો અમરેલી વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનોનોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.