BREAKING NEWS

ક્રેડિટ કાર્ડ વાપરનારાઓ સાવધાન: ભારે દંડ અને વ્યાજના ચક્રવ્યૂહમાંથી બચવા માટે આ ૫ છુપા ચાર્જિસનું ધ્યાન રાખવું ખાસ જરૂરી

  • May 25, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજના ડિજિટલ યુગમાં ક્રેડિટ કાર્ડ (Credit Card) લોકોની રોજિંદી જરૂરિયાતોનો એક મહત્વનો ભાગ બની ગયું છે. શોપિંગ, ઓનલાઈન પેમેન્ટ, મુસાફરી અને ઈમરજન્સીના સમયે તે આશીર્વાદરૂપ સાબિત થાય છે. આ સુવિધા દ્વારા ગ્રાહકોને કેશલેસ પેમેન્ટની સાથે સાથે અનેક પ્રકારના રિવોર્ડ પોઈન્ટ્સ, કેશબેક અને આકર્ષક ઓફર્સનો લાભ પણ મળે છે. પરંતુ, જો આ કાર્ડનો ઉપયોગ સમજી-વિચારીને અને સાવચેતીપૂર્વક કરવામાં ન આવે, તો તે મોટી આર્થિક મુશ્કેલીનું કારણ બની શકે છે. સમયસર બિલ ન ભરવા કે નિયમોની અજ્ઞાનતાના કારણે મોટું વ્યાજ અને અનેક છુપા ચાર્જિસ (Hidden Charges) ચૂકવવા પડી શકે છે.


નાણાકીય નિષ્ણાતોના મતે, ક્રેડિટ કાર્ડ લેતા પહેલાં કે તેનો ઉપયોગ કરતી વખતે માત્ર તેની ઓફર્સ જોવી પૂરતી નથી. તેના નિયમો અને શરતોને બારીકાઈથી સમજવી જરૂરી છે જેથી નાનો ખર્ચ પણ મોટું દેવું ન બની જાય.


૧. વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ (Annual Fees)
ક્રેડિટ કાર્ડ પર લાગતો આ સૌથી સામાન્ય ચાર્જ છે, જેને એન્યુઅલ ફી પણ કહેવામાં આવે છે. કાર્ડના પ્રકાર અને બેંકોના આધારે આ ફી વાર્ષિક ₹૨૫૦ થી લઈને ₹૫૦,૦૦૦ સુધીની હોઈ શકે છે. ઘણી વખત બેંકો શરૂઆતમાં ‘લાઈફટાઈમ ફ્રી’ અથવા પ્રથમ વર્ષ માટે ફ્રી કાર્ડની ઓફર આપે છે, પરંતુ બાદમાં ચાર્જ વસૂલવાનું શરૂ કરે છે. તેથી, કાર્ડ લેતી વખતે આ ફ્રી ઓફર કેટલા સમય માટે વલિડ છે તેની ચોખવટ કરી લેવી હિતાવહ છે.


૨. જોઈનિંગ ફી (Joining Fees)

જ્યારે તમને નવું ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરવામાં આવે છે, ત્યારે બેંક દ્વારા વન-ટાઇમ (એક વખત) જોઈનિંગ ફી લેવામાં આવે છે. આ ફી પણ કાર્ડના સ્ટેટસ પ્રમાણે ₹૨૫૦ થી ₹૫૦,૦૦૦ સુધીની હોઈ શકે છે. પ્રીમિયમ કાર્ડ્સ પર જોઈનિંગ ફી વધુ હોય છે, પણ તેની સામે બેંક લાઉન્જ એક્સેસ કે હોટેલ વાઉચર્સ જેવી લક્ઝરી સુવિધાઓ આપતી હોય છે. ગ્રાહકોએ હંમેશાં એ ચકાસવું જોઈએ કે તેઓ જેટલી ફી ચૂકવી રહ્યા છે તેની સામે તેમને એટલો ફાયદો મળી રહ્યો છે કે નહીં.


૩. કેશ એડવાન્સ ફી (Cash Advance Fees)
ક્રેડિટ કાર્ડ દ્વારા એટીએમ (ATM) માંથી રોકડા રૂપિયા ઉપાડવાની સુવિધા મળે છે ખરી, પરંતુ નાણાકીય દ્રષ્ટિએ આ સુવિધા સૌથી મોંઘી સાબિત થાય છે. બેંકો સામાન્ય રીતે દરેક કેશ ટ્રાન્ઝેક્શન પર ઉપાડેલી રકમના ૨.૫% સુધીનો સીધો ચાર્જ વસૂલે છે. આ સિવાય, આ રોકડ રકમ પર અન્ય ખર્ચાઓની જેમ કોઈ ‘ઈન્ટરેસ્ટ-ફ્રી પિરિયડ’ (વ્યાજમુક્ત સમય) મળતો નથી, એટલે કે પૈસા ઉપાડ્યાના પ્રથમ દિવસથી જ તેના પર ભારે વ્યાજ લાગવાનું શરૂ થઈ જાય છે.


૪. લેટ પેમેન્ટ ચાર્જ (Late Payment Charges)

જો ગ્રાહક નિયત તારીખ (Due Date) સુધીમાં પોતાના ક્રેડિટ કાર્ડનું બિલ જમા ન કરાવે, તો બેંક તેના પર મોટી પેનલ્ટી લગાવે છે. ઘણા લોકો બિલ આખું ભરવાને બદલે માત્ર ‘મિનિમમ અમાઉન્ટ’ (ન્યૂનતમ રકમ) ભરીને સંતોષ માની લે છે, જેના લીધે બાકી બચેલી રકમ પર વ્યાજ ચડતું રહે છે. વારંવાર લેટ પેમેન્ટ કરવાથી ગ્રાહકનો ક્રેડિટ સ્કોર (CIBIL Score) પણ બગડે છે, જેના કારણે ભવિષ્યમાં હોમ લોન કે કાર લોન મેળવવામાં ભારે મુશ્કેલી પડે છે.


૫. એન્યુઅલ પર્સન્ટેજ રેટ (APR - વ્યાજ દર)
એપીઆર એટલે ક્રેડિટ કાર્ડ પર લાગતો વાર્ષિક વ્યાજ દર. આ વ્યાજ તે બાકી રકમ પર વસૂલવામાં આવે છે જે ગ્રાહક સમયસર ચૂકવી શકતો નથી. ભારતમાં ક્રેડિટ કાર્ડ પરનો આ વ્યાજ દર વાર્ષિક ૩૩% થી ૪૨% જેટલો ઊંચો હોય છે, અને કેટલાક કિસ્સાઓમાં તો તે ૫૦% સુધી પણ પહોંચી જાય છે. આ વ્યાજના ચક્રવ્યૂહના કારણે નાની બાકી રકમ પણ જોતજોતામાં એક મોટા દેવામાં ફેરવાઈ જાય છે. આનાથી બચવાનો એક જ ઉપાય છે કે દર મહિને નિયત તારીખ પહેલાં પૂરેપૂરું બિલ ચૂકવી દેવું.


​​​​​​​જો પૂરી જવાબદારી અને શિસ્ત સાથે ઉપયોગ કરવામાં આવે તો ક્રેડિટ કાર્ડ એક ઉત્તમ આર્થિક સાધન છે, પરંતુ તેની ચૂકવણીમાં આળસ કે લાપરવાહી તેને એક મોટા આર્થિક બોજમાં બદલી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application