BREAKING NEWS

સિલિન્ડરની અછત મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન

  • March 13, 2026 02:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
દેશ અને રાજ્યમાં વર્તમાન સમયમાં સર્જાયેલી એલપીજી અને નેચરલ ગેસની કટોકટીના મુદ્દે આજે ગુજરાત વિધાનસભા ખાતે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાના પગથિયાં પર ગેસ સિલિન્ડર અને પોસ્ટરો સાથે વિરોધ નોંધાવી સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડા અને પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીની આગેવાનીમાં આશરે ૧૨ જેટલા ધારાસભ્યોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ધારાસભ્યોએ ગેસના ભાવવધારા અને અછતને દર્શાવતા પોસ્ટરો પહેરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, પશ્ચિમ એશિયાના સંઘર્ષના બહાને સામાન્ય જનતાને હાલાકીમાં મૂકવામાં આવી રહી છે અને સરકાર અછત નિવારવામાં નિષ્ફળ રહી છે.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરને પોલીસ કર્મીઓ દ્વારા રોકવાનો પ્રયાસ કરાતા તેઓ પગથિયાં પર પડી ગયા હતા. આ ઘટના બાદ ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ઉગ્ર શાબ્દિક સંઘર્ષ જોવા મળ્યો હતો, જેને પગલે વાતાવરણ તંગ બની ગયું હતું . સ્થિતિ ગંભીર હોવાનો વિપક્ષનો દાવો કરવામાં આવ્યો હતો.

દેશમાં આયાતમાં વિક્ષેપને કારણે ઘરગથ્થુ અને વાણિજ્યિક સિલિન્ડરના બુકિંગમાં વિલંબ અને લાંબી કતારો સામાન્ય બની છે. જોકે, ત્રણ દિવસ અગાઉ જ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કર્યો હતો. તેની સામે વિપક્ષે આકરા તેવર બતાવતા કહ્યું કે, સરકાર વાસ્તવિકતા છુપાવી રહી છે.

"એક તરફ જનતા ગેસ માટે ભટકી રહી છે અને બીજી તરફ સરકાર બધું બરાબર હોવાના દાવા કરે છે. અમે આ મુદ્દો વિધાનસભાના સત્રમાં આક્રમક રીતે ઉઠાવીશું." - અમિત ચાવડા,એ જણાવ્યું હતું.

નોંધનીય છે કે ગતરોજ દિલ્હીમાં પણ આ મુદ્દે સાંસદો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેની ગુંજ આજે ગુજરાત વિધાનસભામાં સંભળાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application