મતદાન મથક પાસે માંડવો નાખતા કોંગ્રેસના ઉમેદવાર મકબૂલ સહિત પાંચ સામે ફરિયાદ
મતદાન મથક પાસે માંડવો નાખતા કોંગ્રેસના ઉમેદવાર મકબૂલ સહિત પાંચ સામે ફરિયાદ
April 27, 2026 10:08 PM
રાજકોટ શહેરના વોર્ડ નંબર ૧૫માં કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાઉદાણીએ મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં માંડવો નાખી ચૂંટણીલક્ષી સાહિત્ય રાખ્યું હતું. જે અંગે ઝોનલ અધિકારીની ફરિયાદ પરથી કોંગ્રેસી ઉમેદવાર સહિત પાંચ સામે થોરાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો વોર્ડ નંબર ૧૫ માં લાખાજીરાજ સોસાયટીમાં આરએમસી શાળા નંબર ૬૬ કે જે છત્રપતિ શિવાજી પ્રાથમિક શાળા તરીકે ઓળખાય છે તેના ૮૦ મીટરના એરિયામાં કોંગ્રેસના ઉમેદવાર મકબુલ હબીબભાઈ દાઉદાણી (ઉ.વ. ૪૧) એ માંડવો નાખ્યો હતો ત્યાંથી પસાર થયેલા ઝોનલ ઓફિસરે તેને બે વખત ચેતવણી આપી હતી છતાં માંડવો નહીં હટાવતા પોલીસને જાણ કરી હતી. બાદમાં એસીપી ક્રાઈમ બી.બી.બસીયા, એસઓજી પીઆઈ એસ.એમ. જાડેજા અહીં પહોંચ્યા હતા અને મકબુલ દાઉદાણી અને તેના ચાર ટેકેદારો આરીફ યુસુફભાઈ સંધી, વસીમ કાલેખા લુવાણી, હુસેન સત્તારભાઈ પિંજારશ અને ઈરફાન યુસુફખાન બ્લોચની અટકાયત કરી થોરાળા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. ત્યારબાદ આ અંગે સરકારી પોલીટેકનિક કોલેજમાં લેક્ચર અને ઝોનલ અધિકારી તરીકે મુકાયેલા મપુરભાઈ ભાલીયા (રહે. હરીપર પાળ)ની ફરિયાદ પરથી પાંચે સામે જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધાવી હતો. ફરિયાદમાં આરોપીઓ મતદાન મથક ૬/૭ ના ૧૦૦ મીટરના એરિયામાં ચૂંટણીને સંબંધિત સાહિત્ય સાથે મળી આવ્યું જણાવ્યું છે. આરોપીઓ પાસેથી કાળા કલરનું પ્રિન્ટર સાથેનું ઝેરોક્ષ મશીન કાગળનું પુઠા પર બનાવેલું કોંગ્રેસના ઉમેદવાર સાથેનું ઈવીએમનું ડેમો મશીન, મકબુલ દાઉદાણીના નામનું લાકડાનું સન્માનપત્ર અને થેલીમાંથી ચૂંટણી આયોગની ૨૦૨૬ ની પુરવણી પાદી, બે બુક કાપલીઓ અને બોલપેન મળી આવી હતી. જે પોલીસે કબજે કરી છે પોલીસે પાંચેય આરોપીઓને નોટિસ આપી મુક્ત કર્યા હતા.