સવારે ઠંડી, બપોરે ગરમી જેવા મિશ્ર વાતાવરણમાં શિયાળાની અડધાથી વધુ સીઝન પસાર થઈ ગયા પછી નવા વર્ષના પ્રારંભથી જ શિયાળાએ જમાવટ કરી છે. આજે સૌરાષ્ટ્ર કચ્છમાં લઘુતમ તાપમાનમાં જોરદાર ઘટાડો થયો છે. ગિરનાર પર્વત પર આજે સવારે લઘુતમ તાપમાન માત્ર 5.7 ડીગ્રી નોંધાયું છે .ભેજનું પ્રમાણ 81% હોવાથી ઠંડીની સાથે સાથ ઠારની અનુભૂતિ પણ લોકો કરી રહ્યા છે. બરફીલા પવનના કારણે ઠંડીની તીવ્રતા પણ અનેકગણી વધી ગઈ છે.
નલિયામાં પણ આજે શિયાળાની ચાલુ સિઝનમાં સૌથી નીચું લઘુતમ તાપમાન માત્ર 7 ડીગ્રી નોંધાયું છે. રાજકોટમાં પણ લઘુતમ તાપમાનમાં ગઈકાલની સરખામણીએ આજે જોરદાર ઘટાડો થયો છે. ગઈકાલે રાજકોટમાં 14 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું તે આજે ઘટીને 9.4 ડિગ્રી થઈ ગયું છે. એક જ દિવસમાં સાડા ચાર ડિગ્રી જેટલો ઘટાડો લઘુતમ તાપમાનમાં થવાના કારણે અને બરફીલા પવન ફુકાતા શહેરીજનો ધ્રુજી ઉઠ્યા હતા.
ભાવનગરમાં ગઈકાલે 17 ડિગ્રી લઘુતમ તાપમાન હતું તે આજે ઘટીને 14 ડિગ્રી થઈ ગયું છે. ભુજમાં પણ બે ડિગ્રીના ઘટાડા સાથે આજે લઘુતમ તાપમાન 11.4 ડિગ્રી રહેવા પામ્યું છે. કંડલામાં આજે 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જે ગઈકાલના 15.5 ડિગ્રીની સરખામણીએ અઢી ડીગ્રી જેટલું ઓછું છે. પોરબંદરમાં આજે 11.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે જે ગઈકાલના 15.8 ડિગ્રીની સરખામણી 3 ડીગ્રી જેટલું ઓછું છે.
ઓખામાં એકાદ ડિગ્રીના ઘટાડા સાથે આજે 18.2 દ્વારકામાં બે ડિગ્રીના ઘટાડા સાથે આજે 15.1 ડીગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે.
જુનાગઢ શહેરમાં 10.7 અને ભવનાથ તળેટીમાં 8.7 ડીગ્રી લઘુતમ તાપમાન આજે રહેવા પામ્યું હતું.
અમદાવાદ વડોદરા સુરત જેવા શહેરોમાં ગઈકાલની સરખામણીએ આજે લઘુતમ તાપમાનમાં ખાસ મોટો ઘટાડો થયો નથી. સુરતમાં આજે 16 અને ગઈકાલે 17.4 અમદાવાદમાં આજે 15 અને ગઈકાલે 15.3 વડોદરામાં આજે 15 અને ગઈકાલે 16.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.
રાજકોટમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 92% વડોદરામાં 98% નલિયામાં 92% રહ્યું હતું અને તેના કારણે ઝાકળ જોવા મળી હતી. દ્વારકા ભુજ અને ડીસામાં પણ 80 થી 82% વચ્ચે ભેજ રહ્યો હતો.