જામનગરના ગુલાબનગર વિસ્તારમાં બે જુથ વચ્ચે બબાલ થયેલ જેમાં બે યુવકને માર માર્યાની તેમજ ધમકી દીધાની સામ સામી પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા ડ્રાઇવીંગ કરતા જાવીદ બોદુભાઇ આરબ (ઉ.વ.૩૧) અને તેના ભાઇ ગઇકાલે દેવીકા પાનની સામેના વિસ્તારમાં હતા, ત્યારે બે આરોપી ત્યાં આવ્યા હતા અને એક આરોપીની પત્ની ઘરેથી ચાલી ગઇ હોય તે બાબતે ફરીયાદીના ભાઇ સાથે પુછપરછ અને બોલાચાલી કરવા લાગ્યા હતા.
આવેલા બંને શખ્સોએ અપશબ્દો બોલી ફરીયાદીને શરીરે આડેધડ ઢીકાપાટુનો માર મારતા દેકારો થયો હતો, દરમ્યાન અન્ય બે આરોપીઓ ત્યાં આવી બાજુની દુકાનમાંથી લોખંડનું કોઇ સાધન લઇ ફરીયાદી જાવીદને છાતીના ભાગે માર માર્યો હતો અને ઢીકાપાટુ વડે મુંઢ ઇજા પહોચાડી હતી. ઉપરાંત એક આરોપીએ જાનથી મારી નાખવા છે એવી ધમકી દઇ એકબીજાને મદદગારી કરી હતી.
જાવીદભાઇ આરબ દ્વારા આ બનાવ અંગે ગુલાબનગરના રીઝવાન સમા, અમીન તથા નવાઝ સમા અને રીઝવાનના મામા આરીફ આ ચારેયની વિરુઘ્ધ સીટી-એ ફરીયાદ કરી હતી.
સામા પક્ષે ગુલાબનગર હુશેની ચોકમાં રહેતા રીઝવાન શોકતભાઇ સમા (ઉ.વ.૩૧)એ વળતી ફરીયાદ સીટી-એમાં ગુલાબનગરમાં રહેતા સિકંદર બોદુ આરબ, જાવીદ બોદુ આરબ અને અયુબ બોદુ આરબની વિરુઘ્ધ નોંધાવી હતી.
ફરીયાદીની પત્ની ગત તા. ૨૫ના ઘરેથી જતા રહયા હોય જે બાબતે સામેવાળાને ખબર છે તેવી શંકા હોય આથી ફરીયાદી અને તેના ભાઇ ટાયર લેવા ગયેલ ત્યારે રસ્તામાં ત્રણેય આરોપી મળી જતા આ બાબતે વાતચીત અને પુછપરછ કરતા આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતા.
દરમ્યાન આરોપી સિકંદરે છરી કાઢી હતી અને અન્ય બે આરોપીઓએ પંચરની દુકાનમાંથી સળીયા લઇ આવી ફરીયાદીને આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો, કપાળ અને વાંસાના ભાગે ઇજા પહોચાડી હતી તેમજ જતા જતા અમારી પર ખોટી શંકા કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી દીધી હતી.