BREAKING NEWS

ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામાઃ ડભોઈમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે મારામારી, સુરતમાં કોંગ્રેસ-પોલીસ વચ્ચે ઝપાઝપી

  • April 15, 2026 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે રાજ્યના વિવિધ શહેરોમાં હાઈવોલ્ટેજ ડ્રામા અને હિંસક ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. સુરત કલેક્ટર કચેરીમાં પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી, જ્યારે વડોદરાના ડભોઈમાં ફોર્મ પરત ખેંચવા મુદ્દે ભાજપ અને કોંગ્રેસના જૂથો સામસામે આવી જતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.

સુરત કલેક્ટર કચેરીના પાંચમા માળે આજે બપોરે ભારે અફરાતફરી મચી ગઈ હતી. કોંગ્રેસના શહેર પ્રમુખ અને કાર્યકરોને બાતમી મળી હતી કે, પોલીસ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર અને ભાજપના કાર્યકર્તાઓને સાથે રાખીને ચૂંટણી અધિકારીની ઓફિસમાં બેસાડવામાં આવ્યા છે. આ માહિતી વાયુવેગે પ્રસરતા જ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં કચેરીમાં ધસી ગયા હતા.


ચૂંટણી અધિકારીની ઓફિસ પાસે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી જતા વાતાવરણ તંગ બની ગયું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે પોલીસ સત્તાધારી પક્ષના ઈશારે ઉમેદવારો પર દબાણ લાવી રહી છે. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ પોલીસ અને કાર્યકરો વચ્ચે જોરદાર ઝપાઝપી થઈ હતી. સ્થિતિ એટલી હદે વણસી હતી કે પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.


વડોદરાના ડભોઈ તાલુકામાં રાજકીય ગરમાવો હિંસામાં પલટાયો હતો. ડભોઈ તાલુકા પંચાયતની લીંગસ્થળી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ પાટણવાડીયાએ અચાનક પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસના આગેવાનો લાલઘૂમ થયા હતા. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર દલીલો શરૂ થઈ હતી, જે જોતજોતામાં મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. આ હિંસક અથડામણમાં બંને પક્ષના કાર્યકરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. મામલો વણસતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો. નોંધનીય છે કે, કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા જ ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર પટેલ હવે આ બેઠક પર બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.


વડોદરાની સમા મામલતદાર કચેરીમાં પણ આવી જ રીતે અફરાતફરી સર્જાઈ હતી. રાજકીય ખેંચતાણ અને સમર્થકોના ટોળેટોળા ઉમટી પડતા સર્જાયેલી નાસભાગમાં કચેરીની લોખંડની જાળી પણ તૂટી ગઈ હતી. રાજ્યભરમાં ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન જે પ્રકારે સામસામે આક્ષેપો અને હિંસાની ઘટનાઓ બની છે, તેણે લોકશાહીના પર્વ પર કાળી ટીલી લગાવી છે. હાલ તમામ સંવેદનશીલ વિસ્તારો અને સરકારી કચેરીઓ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News