BREAKING NEWS

મુંબઈમાં ઠાકરે બ્રધર્સ સાથે ટક્કર, અન્યત્ર ભાજપ વિનમાં

  • January 16, 2026 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રમાં ચાર વર્ષના લાંબા વિલંબ બાદ યોજાયેલી 29 નગર નિગમોની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ના ચૂંટણી પરિણામો પર બધાની નજર છે. રાજ્યભરના 893 વોર્ડમાં કુલ 15,931 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થશે. વલણોમાં ભાજપ સતત આગળ છે. મોટાભાગે ભાજપનો દરેક જગ્યાએ દબદબો જોવા મળી રહ્યો છે. બીએમસીના શરૂઆતના વલણો ભાજપ ગઠબંધન અને શિવસેના-યુબીટી ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. જયારે મહારાષ્ટ્રની અન્ય બેઠકો પર ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. બીએમસીની ચૂંટણીમાં ભાજપ ગઠબંધન ૭૦, ઉદ્ધવ જૂથ ૪૨, કોંગ્રેસ ૧૧ બેઠક પર આગળ દેખાય છે. પૂણેમાં ભાજપ 32 તો એનસીપી 14 બેઠક પર આગળ છે.

ગઈકાલના મતદાન પહેલા, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ 2017 માં યોજાઈ હતી. આગામી ચૂંટણીઓ 2022 માં યોજાવાની હતી, પરંતુ વિવિધ કારણોસર તે મુલતવી રાખવામાં આવી હતી. આમાં કોરોના રોગચાળો, બીએમસી બેઠકો (વોર્ડ સીમાઓ) ના સીમાંકન પરના વિવાદો અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં ઓબીસી અનામત પર કાનૂની લડાઈનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે એનડીએ ગઠબંધન એટલે કે મહાયુતિ મહરાષ્ટ્રની સ્થાનિક એકમની ચૂંટણીમાં 60થી વધુ બેઠકો પહેલાથી જ બિનહરિફ જીતી ચૂક્યું છે. તેમાં સૌથી વધુ બેઠક 43 ભાજપે જીતી હતી. જ્યારે એકનાથ શિંદેની શિવસેનાએ 19 અને એનસીપીએ 2 બેઠક જીતી હતી. જેને લઈને વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. ચૂંટણી પંચે પણ આ મામલે તપાસના આદેશ કર્યા હતા.


ભાજપ રાજ્ય કાર્યાલયે ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી

મત ગણતરી શરૂ થાય તે પહેલાં જ ભાજપે મુંબઈના નરીમાન પોઈન્ટ સ્થિત ભાજપ રાજ્ય કાર્યાલયમાં ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ કાર્યકરો ઢોલ તેમજ મીઠાઈઓ સાથે કાર્યાલય પર પહોંચી ગયા છે. જ્યાં મોટા પ્રમાણમાં લોકોની ભીડ એકઠી થઇ ચુકી છે. ભાજપને આશા છે કે આ વખતે બીએમસીમાં તે સરકાર બનાવશે. આજે સાંજ સુધીમાં જ સ્પષ્ટ થશે કે બીએમસીમાં કોણ શાસન કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application