આજે હનુમાન જયંતી નિમિતે શહેરમાં વિવિધ હનુમાનજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. વહેલી સવારથી જ એ.જી.ચોકમાં આવેલ ચમત્કારિક હનુમાનજી, કરણસિંહજી બાલાજી મંદિર, પેડક રોડ પર બાલક હનુમાન, કાલાવડ રોડ પરના સંકલ્પસિધ્ધ હનુમાનજી અને સાત હનુમાન મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને આજે મંદિર પરિસરમાં જય હનુમાનના નાદ સાથે ધાર્મિક માહોલ છવાયો હતો. વિવિધ મંદિરોમાં કાર્યક્રમોની હારમાળા યોજાઈ છે. જેમાં પર ભોગ, મહાપૂજન, હનુમાનજીના પાઠ, બટુક ભોજન, શ્રદ્ધાળુઓ માટે પ્રસાદી, કેક કટીંગ, કનુમાન યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે પૂજારીઓના મંત્રોચ્ચારથી હનુમાનજીની પૂજા વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આજે હનુમાનજીના દર્શન કરીને ભક્તો ભાવવિભોર બન્યા છે. મંદિરોમાં ભક્તિનો ઉમંગ અને ધાર્મિક ઉધાસ છલકાતા સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બન્યું છે. શહેરના માર્ગો પર કેસરિયો લહેરાતા સાક્ષાત હનુમાનજી ભક્તોને દર્શન આપવા આવ્યા હોય તેવો અનુભવ થાય છે.