રાજકોટ મહાપાલિકાના બજેટમાં અનેક એવા પ્રોજેક્ટ રજૂ થતા હોય છે જે પૂર્ણ થતા નથી છતાં વર્ષો વર્ષ કેરી ફોરવર્ડ કરી નવા પ્રોજેક્ટ તરીકે નવા પ્રોજેક્ટના લિસ્ટમાં દર્શાવાય છે. આ વર્ષે પણ કમિશનર તુષાર સુમેરાએ કાલાવડ રોડ અને જંક્શન સ્ટેશન રોડ પહોળો કરવા નો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
કાલાવડ રોડ કે.કે.વી.હોલથી રાજકોટ મહાનગરપાલિકાની હદે આવેલ મોટામૌવા સ્મશાન સુધીના કુલ અંદાજીત ૨.૨૫ કી.મી. લંબાઈનો "ગૌરવ પથ” કાલાવડ રોડ ૩૦ મી. થી વધારીને લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ અંતર્ગત ૩૬ મી. પહોળો કરવા માટેનો સૈધ્ધાંતિક નિર્ણય લેવામાં આવેલ હોઈ, આગામી વર્ષ દરમિયાન તેનો અમલ કરવામાં આવશે.
જંકશન સ્ટેશન રોડ વિસ્તૃતિકરણ
કુવાડવા રોડથી પોપટપરા નાલા સુધીના ૧૫ મી. જંકશન રોડને લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ અંતર્ગત ૧૮ મી. પહોળો કરવાનો થાય છે, જેના અસરગ્રસ્તોની સુનાવણી કરવામાં આવેલ છે અને જમીન સંપાદન કરવાની કાર્યવાહી પ્રગતિમાં છે.
જામનગર રોડના ઓવરબ્રિજને લાગુ સર્વિસ રોડ
જામનગર રોડ સાંઢીયા પુલ વાળો રોડ પહોળો કરવા તથા ઓવરબ્રીજને લાગુ સર્વિસ રોડ માટે નક્કી થયેલ “લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ” મુજબ કપાતમાં આવતી જમીનના કબ્જા રોજકામ કરી, જમીન સંપાદનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ આવરી લેવામાં આવેલ અન્ય રસ્તાઓ
“લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ” અંતર્ગત લક્ષ્મીનગરનાં નાલા પાસેના રોડ પાસેની જમીન તેમજ ટાગોર રોડથી એ.વી.પી.ટી. કેમ્પસની ઉતર તરફ રાજમંદિર ફૂડ ઝોન વાળો રોડ પહોળો કરવા માટે સંપાદન માટેની કાર્યવાહી હાલ ચાલુ છે.
“લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ” અંતર્ગત લક્ષ્મીનગરનાં નાળા પાસેના રોડ પાસેની જમીન તેમજ ટાગોર રોડથી શ્રી વિરાણી હાઇસ્કુલની દક્ષિણ તરફ વાળો રોડ પહોળો કરવા માટે સંપાદન માટેની કાર્યવાહી હાલ ચાલુ છે.
વર્ષ ૨૦૨૬-૨૭માં નવી ટી.પી.સ્કીમનાં આયોજન
ડી.આઈ.એલ.આર. કચેરીમાંથી તાજેતરમાં માધાપર વિસ્તારની ૧ (એક) તથા મવડી વિસ્તારની ૨(બે) સૂચિત ટી.પી.સ્કીમ બનાવવા માટે અધિનિયમની જોગવાઈ મુજબ ચીફ ટાઉન પ્લાનરશ્રી, ગુજરાત રાજ્યનો પરામર્શ મેળવવા મોકલાવેલ છે, જે મળ્યેથી તેનો ઈરાદો જાહેર કરીને નવી ટી.પી.સ્કીમ તૈયાર કરીને કલમ-૪૮(૧) હેઠળ સરકારશ્રીમાં મંજૂરી અર્થે સાદર કરવામાં આવશે. આમ, ઉક્ત વિગતે જણાવેલ માધાપર તથા મવડી વિસ્તારમાં કુલ-૩ (ત્રણ) નવી ટી.પી. સ્કીમ બનાવવાનું આયોજન છે.કોઠારિયા વિસ્તારની ૧ (એક), યોજનામાં ચીફ ટાઉન પ્લાનર, ગુજરાત રાજ્યનો પરામર્શ મળેલ છે, જેને અધિનિયમની જોગવાઈ મુજબ ઈરાદો જાહેર કરવા સામાન્ય સભામાં ઠરાવ અર્થે રજુ કરેલ છે.
ડી.આઈ.એલ.આર. કચેરીમાં રાજકોટ વિસ્તારની - ૩, રૈયા વિસ્તારની-૨, કોઠારીયા વિસ્તારની - ૪, માધાપર વિસ્તારની - ૧ તથા ઘંટેશ્વર વિસ્તારની - ૨ મળી કુલ ૧૨ સૂચિત નગર રચના યોજનાઓનાં નિમતાણા મેળવવા માટે પેન્ડીંગ છે. જે મળ્યેથી મુખ્ય નગર નિયોજકના પરામર્શ અર્થે મોકલી આપવામાં આવશે.
હાલની ચાલુ ટી.પી.સ્કીમનાં સ્ટેટસ
રાજકોટ મહાનગરપાલિકાની કુલ ૬૫ ટી.પી. સ્કીમ પૈકી ૩૫ ટી.પી. સ્કીમ આખરી, ૬ ટી.પી. સ્કીમ પ્રારંભિક મંજુર થઇ અમલમાં આવેલ છે અને આખરી મંજુર થવાની બાકી છે તેમજ ૨૪ ટી.પી. સ્કીમ મુસદ્દારૂપ મંજુર થઇ અમલમાં આવેલ છે અને પ્રારંભિક મંજુર થવાની બાકી છે. આ ઉપરાંત ૨(બે) વેરીડ યોજના તૈયાર કરી મુસદ્દારૂપ મંજુરી અર્થે સરકારમાં સાદર કરવામાં આવેલ છે.