દતકવિધિ પૂરી થયા પછી જ જન્મ પ્રમાણપત્રમાં સુધારો થશે:રજીસ્ટ્રાર
જુના પરિપત્ર નું સબ રજિસ્ટ્રાર દ્વારા ખોટું અર્થઘટન થતું હોવાનું ધ્યાને આવતા તે પરિપત્ર રદ કરાયો
આજકાલ પ્રતિનિધિ રાજકોટ
બાળકને દતક લેવા માટે હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એકટ 1956 તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 અને એમેન્ડમેનટ એકટ 2022 અંતર્ગત કાર્યવાહી થતી હોય છે. અરજદાર જે કાયદા હેઠળ દત્તક માટેની કાર્યવાહી કરવા માગતા હોય તે કાયદા મુજબની કાર્યવાહી પૂરું થયા બાદ જન્મના પ્રમાણપત્રમાં સુધારો કરી આપવા રજીસ્ટ્રાર, સબ રજીસ્ટ્રાર (જન્મ મરણ)ને અરજી કરે ત્યારે તેને ધ્યાનમાં લઇ આગળની કાર્યવાહી કરવાની રહેશે તેવી સૂચના રાજ્યના નાયબ મુખ્ય રજીસ્ટ્રાર (જન્મ મરણ) અને અધિક નિયામક (આંકડા) દ્વારા કરવામાં આવી છે.
રાજ્યભરની તમામ જિલ્લા પંચાયતના જિલ્લા રજીસ્ટ્રાર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ મહાનગરપાલિકાઓના જન્મ મરણ વિભાગના રજીસ્ટ્રાર અને તબીબી અધિકારીઓ તથા રાજ્યભરની તમામ નગરપાલિકાઓના જન્મ મરણ વિભાગના રજીસ્ટ્રાર અને મુખ્ય અધિકારીઓને આ સંદર્ભે પાઠવવામાં આવેલા તાકીદના પત્રમાં સરકારે જણાવ્યું છે કે અગાઉ આ બાબતે 24 સપ્ટેમ્બર 2024 ના રોજ પરિપત્ર કરવામાં આવ્યો હતો પરંતુ તેનું જન્મ મરણ વિભાગના રજીસ્ટાર અને સબ રજીસ્ટ્રાર દ્વારા ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું હોવાનું જણાતા આ પરિપત્ર રદ કરવામાં આવ્યો છે.
દતક લેવાના બંને કાયદાની વિસ્તૃત સમજ માટે આ સંદર્ભે ગત તારીખ 10 ના રોજ એક વર્કશોપનું આયોજન રાજ્ય કક્ષાએ કરવામાં આવ્યું હતું અને તેમાં બાળ સુરક્ષા વિભાગના પ્રોજેક્ટ મેનેજર અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તમામ જિલ્લાના (આંકડા) મદદનીશ અને પ્રોગ્રામ આસિસ્ટન્ટ તથા મહાનગરપાલિકાઓના રજીસ્ટરને પણ આ સંબંધે સૂચનાઓ આપવામાં આવી છે.