રાજકોટ અમદાવાદ હાઈવે પર કુવાડવા ગામ નજીક જીઆઇડીસી પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલી સ્કોર્પિયોએ બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક કુવાડવામાં રહેતા બાબુભાઈ કાળાભાઈ લામકા (ઉ.વ 57) નામના પ્રૌઢનું મોત થયું હતું. અકસ્માત સર્જી સ્કોર્પિયો ચાલક વાહન રેઢું મૂકી નાસી ગયો હતો. ભરવાડ પ્રૌઢ જૂના સાતડા ગામ પાસે વાડીએથી ઘરે જતા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવ અંગે મૃતકના પુત્રની ફરિયાદ પરથી કુવાડવા પોલીસે સ્કોર્પિયોચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કુવાડવા ગામમાં મસ્જિદવાળી શેરીમાં રહેતા બાબુભાઈ કાળાભાઈ લામકા (ઉ.વ 57) નામના ભરવાડ પ્રૌઢ ગઈકાલે બપોર બાદ બાઈક નંબર જીજે 3 કેએફ 5458 લઈ જુના સાતડા માર્ગ પર આવેલી વાડીએથી ઘરે જતા હતા ત્યારે કુવાડવા જીઆઇડીસીના નાલા તરફ વેણું બેસન તરફથી સ્કોર્પિયો નંબર જીજે 3 એનકે 5189 ના ચાલકે પૂરપાટ ઝડપે વાહન ચલાવી બાઇકને હડફેટે લીધું હતું. અકસ્માતમાં પ્રૌઢને ગંભીર ઇજા પહોંચી હતી. દરમિયાન 108 ને જાણ કરી દેવામાં આવતા પ્રૌઢને 108 મારફત સારવાર માટે કુવાડવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવતા અહીં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, મૃતક બાબુભાઈ લામકાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. બાબુભાઈ કુવાડવા ગામ હાઇવે પર શક્તિ હોટલ સામે ઠાકરધણી નામની ચા તથા પાન બીડીની કેબિન ચલાવતા હતાં. સાથોસાથ તેઓ ખેતી કામ કરતા હતા. ગઈકાલે વાડીએથી ઘરે જતા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવ અંગે મૃતકના પુત્ર રણજીતભાઈ બાબુભાઈ લામકા (ઉ.વ 29) ની ફરિયાદ પરથી પોલીસે અકસ્માત સર્જી વાહન અહીં રેઢું મૂકી નાસી ગયેલા સ્કોર્પિયો ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application