કાલાવડ રોડ પર એલપીએલ કાફે પાસે તું નીચી જાતીનો છે અમારી સામે થાર ગાડી લઇને ન અવાય કહી યુવાનને જ્ઞાતિ અંગે અપમાનિત કરી મારમાર્યો હતો. જે અંગે ફાયનાન્સ પેઢીમાં કામ કરતા યુવાનની ફરિયાદ પરથી યુવતી સહિત ચાર શખસો સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, બજરંગવાડીના પુનિતનગર-2 માં રહેતા આકાશભાઈ અરૂણભાઈ સોઢા(ઉ.વ ૨૯) એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સીમી વૈષ્ણવ, અમરદીપ માલા, હરેશ માલા અને મનન મોચીના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તે યાજ્ઞીક રોડ પર આવેલ માસ ફાઇનાન્સની ઓફીસમા નોકરી કરે છે. ગઇ તા.૨૯/૦૯/૨૦૨૫ ના રોજ રાત્રીના સાડા બાર વાગ્યાની આસપાસ તે અને તેની મહિલા મિત્ર બંન્ને થાર ગાડી લઈને કાલાવાડ રોડ પર જલારામ હોટલ ખાતે જમવા માટે જતા હતા. ત્યારે મહિલા મિત્રના ફોનમા તેની ફ્રેન્ડનો ફોન આવ્યો હતો કે, હુ એલ.પી.એલ. કાફે છુ અને મારી સાથે સીમી છે, તું અમને અહીંથી લઈ જા. જેથી મહિલા મિત્રે યુવાનને તેઓને લેવા માટે જવાનુ કહેલ હતું. બાદ બંન્ને એલ.પી.એલ. કાફે ખાતે ગયા હતા ત્યારે સીમીની સાથે હરેશ માલા, અમરદીપ માલા તથા મનન મોચી પણ હાજર હતા. તેમણે યુવાનને પુછયુ હતું કે, તારુ નામ શું છે? જેથી યુવાને આકાશ સોઢા કહ્યું હતું. તો તેમણે મને પૂછેલ કે, તમે દરબાર છો? જેથી યુવાને ના પાડેલ અને કહેલ કે હું વાલ્મીકી છુ. બાદ આ લોકો ઉશ્કેરાઇ ગયા હતા અને હરેશ માલા, અમરદીપ માલા, મનન મોચી અને સીમી વૈષ્ણવ કહેવા લાગ્યા હતા કે, તું નીચી જાતીનો છે એટલે અમારી સામે થાર ગાડી લઈને, આવા ચેઇન પહેરીને ન અવાય, અમે ઉંચી જાતીના છીએ અને તુ નીચી જાતીનો છે કહી યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો. બાદ આ તમામ લોકો યુવાનને ગાળો આપવા લાગ્યા હતા.
બાદ અમરદીપ, મનન તથા હરેશ યુવાનને ગાડીમાથી બહાર કાઢીને જેમફાવે તેમ ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા અને ત્રણેય યુવાનને ઢસડવા લાગ્યા હતા. બાદ આ લોકો મારામારી કરીને ત્યાથી ભાગી ગયા હતા.
યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યુ હતું કે, હું સીમી વૈષ્ણવને મારી ફ્રેન્ડ થકી ઓળખુ છુ અને અમરદીપ, હરેશ તથા મનનના નામ મને પાછળથી જાણવા મળેલ હતા. આ અંગે યુવાનની ફરિયાદ પરથી તાલુકા પોલીસે હુમલો, એટ્રોસિટી એક્ટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.