BREAKING NEWS

ગાંધીનગરમાં કાલથી 3 દિવસ મળનારી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મોકૂફ, હવે 12મેથી યોજાશે

  • May 06, 2026 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગર ખાતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતોમાં મહત્વના હોદ્દેદારોની પસંદગી માટે યોજાનારી ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. અગાઉ આ બેઠક આવતીકાલે ગાંધીનગર ખાતે મળવાની હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ બેઠક વડાપ્રધાનના પ્રવાસ બાદ, ૧૨ મેથી યોજાશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે ૧૫ મહાનગરપાલિકાઓ સહિત જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભવ્ય વિજય મેળવ્યો છે. આ જીત બાદ હવે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવી મુખ્ય મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા પદો માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. પાર્લામેન્ટરી બોર્ડની આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના વરિષ્ઠ નેતાઓ હાજર રહીને નામો પર અંતિમ મહોર મારશે.  


વડાપ્રધાન મોદીના પ્રવાસના કારણે વહીવટી અને સંગઠનાત્મક વ્યસ્તતાને જોતા પક્ષ દ્વારા આ બેઠક પાછી ઠેલવામાં આવી છે. ૧૨ મેથી શરૂ થનારી મિટિંગમાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલા નિરીક્ષકોના રિપોર્ટના આધારે હોદ્દેદારોની પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવશે. આ પ્રક્રિયા બાદ આગામી દિવસોમાં તમામ સ્થાનિક સંસ્થાઓમાં નવા શાસકોની વરણી કરવામાં આવશે. આ વિલંબને કારણે દાવેદારોમાં ઉત્તેજના જોવા મળી રહી છે, જ્યારે પક્ષ હાઈકમાન્ડ તમામ સમીકરણો ચકાસીને જ નામોની જાહેરાત કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application