BREAKING NEWS

વિંછીયાના ઓરી ગામે સરકારી કર્મચારી યુવકને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ

  • November 22, 2025 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
વિંછીયાના ઓરી ગામમાં રહેતા અને આરોગ્ય વિભાગના સરકારી કર્મચારી યુવાન પર તેના જ ગામમાં રહેતા શખસે છરી વડે ખૂની હુમલો કરતા યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આરોપી સંજય ઉર્ફે સચીને તેના પિતાની હત્યામાં યુવાનની ભૂમિકા હોવાની શંકા રાખી આ હુમલો કર્યો હતો. બનાવ અંગે વિંછીયા પોલીસે આરોપી સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


બનાવ અંગે વિંછીયાના ઓરી ગામે રહેતા અને આરોગ્ય વિભાગમાં નોકરી કરતા 37 વર્ષીય યુવાન જયંતિભાઇ ઉર્ફે જય જીવણભાઈ જમોડે વિંછીયા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે તેમના જ ગામના વતની સંજય ઉર્ફે સચિન ઓધાભાઇ શિયાળનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે આરોગ્ય વિભાગમાં એમ.પી.એસ.ડબ્લ્યુ.માં નોકરી કરે છે. છેલ્લા ત્રણ વર્ષથી સસ્પેન્ડ છે. ચારેક વર્ષ પહેલા યુવાનના પિતાના નામે ઓરી ગામ ખાતે આવેલ જમીન પર ગામના ઓધાભાઈ ખીમાભાઈ શિયાળ તથા તેમના દિકરા સંજય ઉર્ફે સચીનને કબ્જો કરવો હોય જેથી તેમણે ચાર વર્ષ પહેલા યુવાનના પિતાજી જીવણભાઈ સાથે મારામારી કરી હતી. જે મારામારીની મારા પિતાએ ફરીયાદ કરેલ હતી. ત્રણેક વર્ષ પહેલા સંજય ઉર્ફે સચીનના પિતા ઓધાભાઇનું મર્ડર થઇ ગયેલ હતું અને જેની શંકા યુવાન અને તેના પરિવાર ઉપર હોય જેથી તેણે ફરીયાદ કરેલ હતી. જે ફરીયાદ બાબતે યુવાન ૧૦ મહિના જેલમાં હતો અને હાલ જામીન જેલમુકત છે.


વધુમાં યુવાને જણાવ્યું હતું કે, સંજય ઉર્ફે સચીન તેના પિતાના મર્ડરની શંકા હોય જેથી રાગદ્વેષ રાખી તે અવાર નવાર કાતરો મારતો હતો. બાદ ગઇ તા.૧/૧૧/૨૫ ના આશરે સાત વાગ્યે યુવાન ફોરવ્હીલ લઇ વિંછીયા ઘરકામ માટે ગયો હતો. બાદ આશરે સવા આઠ વાગ્યે ઓરી જવા નીકળેલ હતો. ઓરી રોડ પર આવેલ મારા મિત્ર ગોપાલભાઇ જગશીભાઇ ધલવાણીયાના ગેરેજે ગયો હતો. ત્યાં યુવાનના મિત્ર સુનીલભાઇ જયંતિભાઇ હાંડા હાજર હતા. યુવાન કારમાંથી નીચે ઉતરતા પાછળથી કોઇક મને તીક્ષ્ણ હથિયારના ઘા મારવા લાગેલ હતું. જેથી પાછળ ફરીને જોતા સંજય ઉર્ફે સચીન હાથમાં છરી લઇ મને મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કરી છરીના ઘા મારવા લાગેલ હતો. જેથી બન્ને વચ્ચે ઝપાઝપી થઇ હતી. આ વખતે ત્યાં હાજર સુનીલભાઈ આવ્યા હતા અને વધુ મારથી બચાવ્યો હતો. આ વખતે બીજા અન્ય માણસો ભેગા થતા સંજય ઉર્ફે સચીન ત્યાંથી જતો રહ્યો હતો. બાદમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.


બનાવ અંગે યુવાને હોસ્પિટલના બિછાનેથી ફરીયાદ નોંધાવતા પોલીસે સંજય ઉર્ફે સચિન શિયાળ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application