કુવૈતના વીજળી અને પાણીના ડિસેલિનેશન પ્લાન્ટ પર થયેલા મિસાઈલ હુમલાને લઈને નવો વિવાદ છેડાયો છે. આ હુમલામાં પ્લાન્ટની સર્વિસ બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને ત્યાં કામ કરતા એક ભારતીય નાગરિકનું કરૂણ મોત નીપજ્યું છે. કુવૈતના મંત્રાલયના પ્રવક્તા ફાતિમા અબ્બાસ જોહર હયાતે પુષ્ટિ કરી છે કે આ હુમલો અત્યંત વિનાશક હતો.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ
ઈરાને આ હુમલામાં પોતાની સંડોવણી હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. ઈરાની સેનાના ઓપરેશનલ કમાન્ડ 'ખતમ અલ-અનબિયા' એ નિવેદન જારી કરીને દાવો કર્યો છે કે આ હુમલો ઈઝરાયેલ (ઝાયનિસ્ટ તાકાતો) દ્વારા કરવામાં આવ્યો છે. ઈરાનનો આરોપ છે કે ઈઝરાયેલ જાણીજોઈને આવા હુમલા કરે છે જેથી તેનો દોષ ઈરાન પર ઢોળી શકાય અને આરબ દેશોને ઉશ્કેરી શકાય. ઈરાને મધ્ય પૂર્વના દેશોને અમેરિકી અને ઈઝરાયેલી રણનીતિથી સાવધ રહેવા અપીલ કરી છે.
યુદ્ધમાં અત્યાર સુધીમાં 8 ભારતીયોના મોત
ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં ભારતીય નાગરિકો પર પણ આભ તૂટ્યું છે. દિલ્હીમાં મળેલી આંતર-મંત્રાલય બ્રીફિંગમાં અધિક સચિવ અસીમ મહાજને જણાવ્યું હતું કે, કુવૈતની આ ઘટના સાથે અત્યાર સુધીમાં કુલ 8 ભારતીયો આ યુદ્ધમાં માર્યા ગયા છે. અગાઉ અબુ ધાબીમાં થયેલા હુમલામાં પણ એક ભારતીયનું મોત થયું હતું. હજુ પણ એક ભારતીય નાગરિક લાપતા હોવાના અહેવાલ છે.
4.75 લાખ નાગરિકો પરત લાવ્યા
યુદ્ધના મેદાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બચાવવા માટે ભારત સરકાર 'યુદ્ધના ધોરણે' કામ કરી રહી છે. 28 ફેબ્રુઆરીએ જંગ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં અંદાજે 4.75 લાખ ભારતીયોને સુરક્ષિત રીતે વતન પરત લાવવામાં આવ્યા છે. યુએઈ અને બહેરીનનું હવાઈ ક્ષેત્ર બંધ હોવાને કારણે ભારત સરકાર આર્મેનિયા, જોર્ડન અને સાઉદી અરેબિયાના રસ્તે ભારતીયોને પરત લાવી રહી છે. ઈરાનથી આર્મેનિયા અને ઈઝરાયેલ-ઈરાકથી જોર્ડન થઈને ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે. ભારત સરકાર સતત કુવૈત અને અન્ય આરબ દેશોના સંપર્કમાં છે જેથી મૃતક ભારતીયના પાર્થિવ દેહને વહેલી તકે ભારત લાવી શકાય અને બાકીના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.