BREAKING NEWS

ગેસ, શાકભાજી મોંઘા થતા થાળીનો ભાવ 5 મહિનામાં રેકોર્ડ સ્તરે, જાણો કેટલામાં પડે છે આપણને એક થાળી

  • July 09, 2026 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જો તમને પણ એવું લાગી રહ્યું છે કે આજકાલ તમારા રસોડાનો ખર્ચ સતત વધી રહ્યો છે તો આ માત્ર તમારો ભ્રમ નથી. નવા ડેટાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. જૂન 2026માં, ઘરે રાંધેલા ખોરાકના બજેટમાં મોટો વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને શાકાહારી (વેજ) અને માંસાહારી (નોન-વેજ) બંને પ્રકારની થાળીઓ મોંઘી થઈ ગઈ છે. છેલ્લા પાંચ મહિનામાં આ પહેલી વાર બન્યું છે જ્યારે બંને થાળીના ખર્ચમાં એકસાથે વધારો નોંધાયો હોય.

ક્રિસિલ ઇન્ટેલિજન્સના માસિક 'રોટી-રાઇસ રેટ' રિપોર્ટ અનુસાર, મે મહિનામાં જે શાકાહારી થાળીનો ભાવ રૂ.27.4 હતો, તે જૂનમાં વધીને રૂ.28.4 પર પહોંચી ગયો છે. બીજી તરફ, માંસાહારી થાળીનો સરેરાશ ભાવ પણ મે મહિનાના રૂ.56.5થી વધીને જૂનમાં રૂ.58.2 થઈ ગયો છે. ઘરના રસોડાના આ ખર્ચમાં વધારો થવાનું સૌથી મોટું કારણ ખાદ્યતેલ, એલપીજી સિલિન્ડર અને બ્રોઇલર ચિકનના ભાવમાં થયેલો વધારો છે.

મે મહિના કરતા જૂનમાં શાકાહારી થાળી ચાર ટકા અને માંસાહારી થાળી ત્રણ ટકા મોંઘી થઈ છે. જ્યારે જૂન 2025 કરતા 2026માં શાકાહારી થાળી પાંચ ટકા અને માંસાહારી થાળી છ ટકા મોંઘી થઈ છે.

રિપોર્ટ પ્રમાણે, નોન-વેજ થાળી મોંઘી થવાનું મુખ્ય કારણ બ્રોઇલર ચિકનના ભાવમાં આવેલી તેજી છે, કારણ કે નોન-વેજ થાળીના કુલ ખર્ચમાં ચિકનનો હિસ્સો સૌથી મોટો હોય છે. ગયા વર્ષની સરખામણીમાં બ્રોઇલર ચિકનના ભાવમાં લગભગ સાત ટકાનો વધારો થયો છે, જ્યારે છેલ્લા એક મહિનામાં જ તેમાં બે ટકાનો ઉછાળો આવ્યો છે. આ સિવાય ખાદ્ય તેલ અને એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ લગભગ દસ ટકાનો મોટો વધારો ઝીંકાયો છે, જેણે સામાન્ય માણસના ખિસ્સા પર સીધો બોજ નાખ્યો છે.

શાકભાજીના ભાવની વાત કરીએ તો પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે પુરવઠામાં વિક્ષેપ પડ્યો છે, જેના લીધે ઘણી આવશ્યક ચીજવસ્તુઓના ભાવ પર દબાણ આવ્યું છે. મે મહિનાની સરખામણીમાં જૂન મહિનામાં ટામેટાં 17 ટકા, ડુંગળી આઠ ટકા અને બટાકા પાંચ ટકા મોંઘા થયા છે. બજારમાં મોંઘા રવિ પાકના આગમનને કારણે ડુંગળીના ભાવમાં આ વધારો થયો છે. વળી, વાર્ષિક ધોરણે જોઈએ તો ટામેટાના ભાવમાં લગભગ 31 ટકાનો તોતિંગ વધારો થયો છે અને તે રૂ.42 પ્રતિ કિલોએ પહોંચ્યા છે.

જોકે, મોંઘવારીના આ ચક્ર વચ્ચે સામાન્ય જનતા માટે એક રાહતના સમાચાર પણ આવ્યા છે. નવા રવિ પાકનું બજારમાં મોટા પાયે આગમન થવાને કારણે બટાકાના ભાવમાં વાર્ષિક ધોરણે 14 ટકાનો ઘટાડો નોંધાયો છે. બટાકાના ભાવ ઘટવાથી રસોડાના ખોરવાયેલા બજેટમાં લોકોને થોડીક રાહત ચોક્કસ મળી છે, પરંતુ એકંદરે જૂન મહિનો ગૃહિણીઓ માટે આર્થિક રીતે ઘણો ભારે રહ્યો છે.


એક મહિનામાં આ ચીજવસ્તુ મોંઘી થઈ


ટમેટા    17%
ડુંગળી    8%
બટાકા     5%
ખાદ્યતલ    10%
એલપીજી    10%



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News