રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડ ખાતે તાજેતરમાં જર્મન આયાતકારોનું એક ડેલિગેશન આવ્યું છે. આ કોઇ સરકારી ડેલિગેશન નથી પરંતુ જર્મન ઇમ્પોર્ટર્સની બિઝનેસ ટુર હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જર્મન ખરીદદારોએ તલ અને જીરૂની ખરીદીમાં રસ દાખવ્યો હતો તેમજ યાર્ડમાં થતી હરાજી નિહાળી હતી ત્યારબાદ રાજકોટના અગ્રગણ્ય એક્સપોર્ટરની શુભેચ્છા મુલાકાત કરી વાવેતર, ઉત્પાદન અને ગુણવત્તા અંગે માહિતી મેળવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ માર્કેટ યાર્ડમાં હાલ નવી સિઝનના પ્રારંભે જીરૂ અને તલની આવકમાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે, રાજકોટ યાર્ડમાં હાલ જીરૂમાં પ્રતિ ૨૦ કિલોના રૂ.૩૫૦૦થી ૪૧૦૦ અને તલમાં રૂ.૧૯૫૧થી ૨૩૩૦ના ભાવે સોદા થઇ રહ્યા છે. જ્યારે કાળા તલમાં ૩૪૫૦થી ૫૨૦૧ સુધીનો ભાવ ઉપજી રહ્યો છે.