જામનગર શહેર અને તાલુકામાં રખડતા કુતરાઓની રંઝાડ યથાવત રહી છે, સમયાંતરે કુતરાઓના કારણે અકસ્માત અને ડોગબાઇટના બનાવો સામે આવે છે, દરમ્યાનમાં કાલાવડ તાલુકાના પીપર ગામમાં કરુણાજનક બનાવ બન્યો હતો, અને રસ્તે રઝળતા કુતરાઓએ ૧૧ વર્ષની શ્રમિક પરિવારની એક બાળકીને ફાડી ખાતાં બાળકીનું સારવારમાં મૃત્યુ નીપજ્યું છે, જેથી ભારે અરેરાટી ફેલાઈ છે.
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ કાલાવડ તાલુકાના પીપર ગામના ખેડૂત અશોકભાઈ ભીખાભાઈ રાંકની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા સુરલાભાઈ વેસ્તાભાઈ કનેશ નામના પરપ્રાંતિય શ્રમિકની ૧૧ વર્ષની પુત્રી રાજલબેનતા. ૬ના રોજ વાડીએથી ઘરે ચાલીને પરત ફરી રહી હતી, દરમિયાન રસ્તામાં ચાર પાંચ રસ્તે રઝળતા કુતરાઓએ બાળકીને ઘેરી લીધી હતી, અને શરીરના અલગ અલગ ભાગોમાં બટકા ભરી લેતાં તેણી લોહી લુહાણ થઈને ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ હતી, અને તેણીને સારવાર માટે ગંભીર હાલતમાં કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું, તેથી શ્રમિક પરિવારમાં ભારે ગમગીની ફેલાઈ હતી.
આ બનાવ અંગે બાળકીના પિતા સુરલાભાઈ વેસ્તાભાઈએ પોલીસને જાણ કરતાં કાલાવડના પી.એસ.આઇ.સી.બી રાંકજા બનાવના સ્થળે અને ત્યારબાદ કાલાવડની સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને બાળકીના મૃતદેહનો કબ્જો સંભાળી આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.
શહેર-જીલ્લામાં રખડતા કુતરાઓનો આતંક દિન પ્રતિદિન વધી રહયો છે, ખાસ કરીને ડોગબાઇટના બનાવોનું પ્રમાણ વઘ્યુ છે અને વાહન અકસ્માતના બનાવો પણ કુતરાઓના કારણે બહાર આવતા રહે છે, કેટલાક કિસ્સામાં શ્ર્વાનના કારણે મૃત્યુના બનાવ પણ સામે આવી ચુકયા છે ત્યારે કાલાવડના પીપર ગામનો ઉપરોકત બનાવ બહાર આવતા અરેરાટી ફેલાઇ જવા પામી છે.