BREAKING NEWS

જામનગર : ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા, ટાઉનહોલમાં આખરે જનરેટર આવ્યું..!

  • February 11, 2026 05:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 
જામનગરના મ્યુનિસિપલ ટાઉનહોલમાં આખરે જનરેટર આવ્યું છે. પરંતુ આ જનરેટર ચાલુ કરવામાં સંબધિત કર્મચારીઓને પરસેવો વળી ગયો હતો. કારણ કે, રૂ.૭ કરોડના ખર્ચે ટાઉનહોલના રીનોવેશનના લાંબા સમય બાદ એટલે કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાની જેમ  અંદાજે રૂ.૯૦ લાખના ખર્ચે આવેલું જનરેટર કાર્યરત કરવામાં કર્મચારીઓ રીતસર ધંધે લાગ્યા હતાં. ભારે દેકારા બાદ આવેલું જનરેટર પાંચેક દીવસ સુધી મથામણ કરવા છતાં ચાલુ ન થતાં આયોજન અને આવડત સામે વધુ એક વખત સવાલ ઉઠ્યા છે. 


જામનગર શહેરની મઘ્યમાં આવેલા અને શાન સમાન મ્યુનિસિપલ ટાઉનહોલમાં મહાનગરપાલીકા દ્રારા અધધ..૭ કરોડના ખર્ચે રીનોવેશન એટલે કે નવીનીકરણ કરાયું હતું. પરંતુ આ કામગીરી બાદ પહેલા રૂ.૪ કરોડનો અંદાજીત ખર્ચ દર્શાવાયા બાદ પાછલા બારણે તેમાં તોતીંગ રૂ.૩ કરોડનો ખર્ચ વધારો મંજૂર કરવામાં આવ્યો હતો. જેના કારણે ભારે વિવાદની સાથે મનપાના સતાધીશો અને અધિકારીઓની કામગીરી શંકાના દાયરામાં આવી હતી. નવાઇની વાત તો એ છે કે, અધધ..રૂ.૭ કરોડના જંગી ખર્ચે રીનોવેશન થયેલા ટાઉનહોલમાં સુવિધાના નામે કેવી લાલીયાવાડી અને અંધાધૂધી પ્રર્વતી રહી છે તેનો ધડાકો બે મહીના પહેલા એક કાર્યક્રમમાં થયો હતો. કારણ કે, ટાઉનહોલમાં રાત્રીના યોજાયેલા કાર્યક્રમમાં અચાનક વીજળી ગુલ થતાં આયોજકોએ ફરજ પરના ટાઉનહોલના કર્મચારીઓને જનરેટર ચાલુ કરવા જણાવ્યું હતું.


પરંતુ ફરજ પરના કર્મચારીઓએ ટાઉનહોલમાં જનરેટર ન હોવાનો ધડાકો ફરજ પરના કર્મીઓએ કરતા આયોજકોને કાર્યક્રમ આટોપી લેવાની ફરજ પડી હતી. આ અંગે આજકાલે ગત તા.૨૬ ડીસેમ્બરના અહેવાલ પ્રકાશીત કરી રૂ.૭ કરોડના ખર્ચે રીનોવેશન થયેલા ટાઉનહોલમાં જનરેટર ન હોવાના નાટક પરથી પડદો ઉંચકયો હતો. બીજી બાજુ મસમોટી ડીપોઝીટ અને ભાડું વસૂલવા છતાં ટાઉનહોલમાં જનરેટર ન હોય કાર્યક્રમોના આયોજકો અને દર્શકોમાં ભારે દેકારા સાથે ભારે ઉહાપોહ મચી ગયો હતો. ત્યારે ટાઉનહોલના રીનોવેશનના લાંબા સમય બાદ એટલે કે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળાની જેમ મ્યુનિસિપલ ટાઉનહોલમાં અંદાજે રૂ.૯૦ લાખના ખર્ચે નવું જનરેટર આવ્યું છે.

પરંતુ આ જનરેટર ચાલુ કરવામાં સંબધીત કર્મચારીઓને રીતસર પરસેવો વળી ગયો હતો. કારણ કે, જનરેટર આવ્યું તે જ દીવસે ચાલુ થયું ન હતું. આટલું જ નહીં સતત પાંચ દીવસ સુધી કર્મચારીઓની મથામણ બાદ પણ જનરેટર કાર્યરત થયું ન હતું. આ સમયગાળા દરમ્યાન પણ ટાઉનહોલમાં સમાજીક પ્રસંગ યોજાયો હતો. જો કે, પાંચેક દીવસ બાદ જનરેટર ચાલુ કરવામાં સફળતા મળી હોવાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે પાંચેક દીવસ સુધી નવું જનરેટર ચાલુ ન થતાં મનપાના આયોજન અને કર્મચારીઓની આવડત સામે વધુ એક વખત સવાલ ઉઠયા છે. બીજી બાજુ આ મુદો મનપાના વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application