જામનગરમાં રણજીત સાગર રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતા ફ્રુટના એક વેપારીના મકાનને રાત્રીના સુમારે તસ્કરોએ નિશાન બનાવીને સાડ છ લાખની રોકડ તથા દાગીના મળી નવ લાખનો મુદામાલ ઉસેડી જતા ચકચાર મચી હતી. આ અંગે ફરીયાદ દાખલ થતા પોલીસ તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો હતો દરમ્યાન નિકાવાના શખ્સ શિવા જેરામ વાજેલીયાને પકડી પાડી કુલ ૧૫.૬૭ લાખનો મુદામાલ કબ્જે લીધો છે.
જામનગરમાં રણજીત સાગર રોડ પર પટેલ પાર્ક પાછળ વૃંદાવન સોસાયટી શેરી નંબર-૧ માં રહેતા અને ફ્રૂટનો વેપાર કરતા તરુણભાઈ મોહનભાઈ રાયઠઠ્ઠા નામના ૪૬ વર્ષના લોહાણા વેપારીએ ગત તા ૧૬ના રાત્રિના ૧૧.૩૦ વાગ્યાથી ૧૭.૧૦.૨૦૨૫ ના વહેલી સવારે આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દઈ અંદરથી રૂપિયા નવ લાખની માલમત્તાની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વેપારી તરૂણ ભાઈના નાનાભાઈ કે જેઓ જામનગરમાં અન્ય સ્થળે રહે છે, અને તેઓ એક દિવસ માટે બહારગામ ગયા હોવાથી તરુણભાઈ પરિવાર સાથે ભાઇના ઘરે રોકાવા ગયા હતા અને પાછળથી તેમના મકાનને કોઇએ નિશાન બનાવ્યુ હતું.
દરવાજાનું તાળુ તોડી ત્રાટકેલા તસ્કરો લાકડાના કબાટમાં રાખેલી રૂપિયા સાડા છ લાખની રોકડ રકમ તેમજ પોતાની પત્નીનું સોનાનું મંગળસૂત્ર, બુટીયા,વિટી, પેન્ડન્ટ સેટ સહિતના દાગીના કે જેની કિંમત ૨,૫૨,૦૦૦ જેટલી થાય છે, જે મળી કુલ ૯,૦૨,૦૦૦ ની માલમતા કોઈ તસ્કરો ચોરી કરી ગયા હોવાથી મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, આ ફરિયાદના અનુસંધાને સિટી એ. ડિવિઝન નો પોલીસ સ્ટાફ તેમજ એલસીબી ની ટુકડી વગેરેએ તપાસનો ધમધમાટ શરુ કરીને ભેદ ઉકેલીયો છે.