BREAKING NEWS

વડોદરાની દેવ નદીમાં પાણી ભરવા ગયેલા યુવકને મગરે ફાડી ખાધો, રેસ્ક્યુ ટીમને વિક્ષત હાલતમાં મૃતદેહ હાથ લાગ્યો

  • May 08, 2026 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાંથી માનવ-વન્યજીવ સંઘર્ષની એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. કાગડીપુરા ગામે દેવ નદીના કિનારે પાણી લેવા ગયેલા યુવક પર મગરે હુમલો કરી તેને નદીના ઊંડા પાણીમાં ખેંચી લીધો હતો. આ ઘટનાનો સૌથી ભયાનક ઘટના ત્યારે જોવા મળી કે મગર કલાકો સુધી યુવકના મૃતદેહને પોતાના જડબામાં દબોચીને નદીમાં આમ-તેમ ફરતો રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને ગ્રામજનો અને રેસ્ક્યુ ટીમ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.


વાઘોડિયાના કાગડીપુરા ગામનો રહેવાસી મિથુન નામનો યુવક દેવ નદીના કિનારે પાણીની જરૂરિયાત પૂરી કરવા ગયો હતો. નદીના સ્થિર પાણીમાં છુપાયેલા વિશાળકાય મગરે અચાનક તરાપ મારી મિથુનનો પગ પકડી લીધો હતો. યુવક કંઈ સમજે કે બચાવ માટે બૂમો પાડે તે પહેલા જ મગર તેને ખેંચીને પાણીની વચ્ચે લઈ ગયો હતો. આસપાસના લોકોએ બૂમાબૂમ કરી પરંતુ યુવકને મગરના જડબામાંથી છોડાવી શક્યા નહીં.


ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડ અને વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જોકે, સર્ચ ઓપરેશન દરમિયાન જે દ્રશ્યો સામે આવ્યા તે હચમચાવી દે તેવા હતા. મગર વારંવાર યુવકના મૃતદેહને મોઢામાં પકડીને પાણીની સપાટી પર આવતો હતો. રેસ્ક્યુ ટીમ બોટ લઈને નજીક પહોંચવાનો પ્રયાસ કરતી ત્યારે મગર તુરંત જ મૃતદેહ સાથે ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતો હતો. રાત્રિના અંધકાર અને નદીમાં મગરોની મોટી સંખ્યાને જોતા ઓપરેશન મોડી રાત્રે અટકાવવું પડ્યું હતું.


આજે વહેલી સવારે ગ્રામજનો ફરી નદી કિનારે એકઠા થયા હતા. નસીબજોગે, મગરે યુવકનો મૃતદેહ છોડી દીધો હતો અને તે પાણીની સપાટી પર તરતો દેખાયો હતો. જોકે, પડકાર હજુ બાકી હતો. જ્યારે ગ્રામજનો લાશને બહાર કાઢવા નદીમાં ઉતર્યા ત્યારે અન્ય મગરો પણ શિકારની લાલચે મૃતદેહની નજીક આવવા લાગ્યા હતા. ગ્રામજનોએ ભારે હિંમત બતાવી, લાકડીઓ પછાડી અને જોરજોરથી હાકોટા પાડી મગરોને દૂર રાખ્યા હતા અને આખરે મિથુનના ક્ષત-વિક્ષત દેહને કિનારે લાવવામાં સફળતા મળી હતી. યુવકનો મૃતદેહ જોઈને પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. 

પોલીસે અકસ્માતે મોતના ગુના હેઠળ લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર નદી કાંઠે રહેતા લોકોની સુરક્ષા સામે મોટો સવાલ ઉઠાવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application