BREAKING NEWS

માળિયા મિયાણા નજીક યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો

  • April 22, 2026 08:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ : માળિયા મિયાણા હાઈવે પર મિત્ર સાથે નાસ્તો કરવા આવેલા યુવક ઉપર ચાર પાંચ શખસોએ છરી વડે જીવલેણ હુમલો કરતા ગંભીર ઈજાઓ થવાથી યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું. આથી બનાવ હત્યામાં પલટાતા માળિયા મીયાણા પોલીસ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી. જીવલેણ હુમલામાં યુવકને છોડાવવા વચ્ચે પડેલા મિત્રને પણ છરીના ઘા લાગી જતા ઇજા થવાથી સારવાર આપવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં
પૈસાની લેતી દેતી મામલે યુવકનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. હત્યાની ઘટનાની મળતી વિગત મુજબ મૂળ મોરબીના જેતપર ગામનો અને હાલ મહેન્દ્રનગરમાં પ્રભુ કૃપા ટાઉનશીપમાં રહેતો અનિલ હરિલાલ કંડીયા (ઉ.વ.૨૮) અને મોરબીમાં રહેતો મિત્ર વિવેક વેલજીભાઈ અઘારા (ઉ.વ.૨૭) બંને રાત્રીના અગ્યારેક
વાગ્યે હળવદ હાઇવે પર આવેલી ધૈર્ય હોટેલે નાસ્તો કરતા હતા ત્યારે અચાનક આવેલા અજાણ્યા ચાર થી પાંચ શખસોએ છરી વડે હુમલો કરતા છરીનો એક ઘા પેટના ભાગે ઉંડો લાગી જતા યુવક ત્યાંજ ઢળી પડયો હતો. મિત્રને છોડવવા વચ્ચે પડેલા વિવેકને પણ છરીનો ઘા લાગી ગયો હતો. હુમલાને પગલે અફરા તફરી મચી જવા પામી હતી. બંને યુવકને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં અનિલનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાને પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માળિયામિયાણા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર અનિલ એક બેનમાં નાનો હતો અને ખેતી કામની સાથે ડ્રાઇવિંગ કરતો હતો, યુવકના પિતાએ પાંચેક વર્ષ પહેલા ગૃહકલેશના કારણે આપઘાત કરી લીધો હતો. યુવકને પૈસાની લેતી દેતી હોય તેનો ખાર રાખી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે હોટેલના સીસીટીવી ફૂટેજ મેળવી હત્યારાઓને શોધવા ચક્રોગતિમાન તેજ કર્યા છે. એકના એક આધારસ્તંભ પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News