BREAKING NEWS

મેટોડા પાસે વાડીમાંથી ૬૮.૩૨ લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

  • November 15, 2025 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમ મેટોડા પાસે સીમ વિસ્તારમાં આવેલી વાડીમાં દરોડો પાડી અહીં ઓરડીમાંથી રૂપિયા 68.32 લાખની કિંમતનો 20,664 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દારૂના આ જથ્થા સાથે જામનગરના બે શખસોને પકડી પાડ્યા હતાં. ઝડપાયેલા બંને શખસોની પુછતાછ કરતા દારૂનો આ જથ્થો અહીં ઓરડીમાં રાજકોટના જયપાલસિંહ ઉર્ફ યુવરાજસિંહ ઉતાર્યો હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી રાજકોટના બુટલેગર જયપાલસિંહને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ શોધી કાઢી સદંતર નાબૂદ કરવા અને દારૂ-જુગારની પ્રવૃત્તિ સામે અસરકારક કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવ્યું હોય જે અંતર્ગત રાજકોટ ગ્રામ્ય એલસીબી વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એચ.સી. ગોહિલ તથા ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી.

દરમિયાન એએસઆઇ રવિદેવભાઈ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા, રોહિતભાઈ બકોત્રા, કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પરમારને મળેલી બાતમીના આધારે મેટોડા ગામની સીમમાં આવેલી વાડીએ દરોડો પાડતા અહીં ઓરડીમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો મળી કુલ 20,664 બોટલ કિં.રૂ. 68,32,800 નો જથ્થો મળી આવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે દારૂના જથ્થા સાથે હનીફ ઇલ્યાસભાઈ જેડા(ઉ.વ. 26 રહે. જામનગર ચકલી કાંટા પાસે, જોડીયા ભૂંગા) અને ઝાકીર કાસમભાઈ સંઘાર(ઉ.વ. 26 રહે. રામેશ્વર માટેલ ચોક જામનગર)ને ઝડપી લીધા હતા. દારૂનો આ જથ્થો બાઈક અને બે મોબાઈલ સહિત કુલ રૂપિયા 68,92,800 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.

દારૂના જથ્થા સાથે ઝડપાયેલા આ બંને શખસોની પોલીસે પૂછતાછ કરતા દારૂનો આ જથ્થો અહીં રાજકોટમાં રહેતા જયપાલસિંહ ઉર્ફે યુવરાજસિંહ લાલુભા વાઘેલા નામનો શખસે ઉતાર્યો હોવાની કબુલાત આપી હતી અને તે બંને તેની સાથે કામ કરતા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ત્રણેય શખસો સામે ગુનો નોંધી જયપાલસિંહ ઉર્ફ યુવરાજસિંહને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ કામગીરીમાં એલસીબીના પીઆઈવી વી.વી.ઓડેદરા, પીએસઆઇ એચ.સી. ગોહિલ, આર.વી. ભીમાણી, એએસઆઈ રવિદેવભાઈ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા, રોહિતભાઈ બકોત્રા, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ રસિકભાઈ જમોડ, કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પરમાર અને દિલીપસિંહ જાડેજા સાથે રહ્યા હતા.


આરોપીઓ સામે હત્યા ,હત્યાનો પ્રયાસ સહિતના ગંભીર ગુના

દારૂના જથ્થા સાથે ઝડપાયેલા અને દારૂમાં જેનું નામ ખુલ્યું છે તે ત્રણેય આરોપીઓ સામે અગાઉ એકથી વધુ ગુના નોંધાય ચૂક્યા છે. જેમાં આરોપી હનીફ જેડા સામે જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો, ઝાકીર સંઘાર સામે સાયલામાં હત્યાનો પ્રયાસ, જુગાર અને ચોરી સહિતના ત્રણ ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે જયપાલસિંહ સામે રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દારૂ સહિતના બે ગુના નોંધાઈ ચૂક્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application