રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં દારૂબંધીના કાયદાના કડક અમલીકરણ માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત ગ્રામ્ય એલસીબી ની ટીમેને વીરપુર-પીઠડીયા ગામ નજીક વોચ ગોઠવી કન્ટેનરને અટકાવી તલાસી લેતા કન્ટેનરમાં ટ્રોલી બેગ વિજય છુપાવેલો 57.19 લાખનો દારૂ બિયર 14,184 નંગ મળી આવતા રાજસ્થાની કન્ટેનર ચાલકની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિહ ગુર્જરની સૂચનાથી એલસીબી પી.આઈ. વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે એક કન્ટેનર એન એલ - એ બી -5683માં વિદેશી દારૂ ભરીને રાજકોટ તરફથી જૂનાગઢ તરફ લઈ જવામાં આવી રહ્યો છે
તેવી ચોક્કસ હકીકતના આધારે વીરપુર પાસે પીઠડીયા ગામ નજીક વોચ ગોઠવી શંકાસ્પદ કન્ટેનરને અટકાવ્યું હતું અને આ રોકેલ વાહનની તલાશી લેતા ટ્રોલિબેગ નીચે તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ ૧૪,૧૮૪ નંગ જથ્થો મળી આવ્યો હતો. આ દારૂના જથ્થાને છુપાવવા માટે ટ્રોલી બેગના બોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે આ કામગીરીમાં કન્ટેનર ચાલક ધોલારામ લુંભારામ બિશ્નોઈ રહે. બાડમેર, રાજસ્થાન ને ઝડપી ધરપકડ કરી હતી.
જ્યારે દારૂ મંગાવનાર અને મોકલનાર અન્ય બે બુટલેગરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે પોલીસે આ દરોડા દરમિયાન વિદેશી દારૂ અને બિયર કિંમત રૂા. ૫૭,૧૯,૬૮૦,ટાટા કન્ટેનર ટ્રક કિંમત રૂા. ૨૦,૦૦,૦૦૦, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત રૂા. ૭૭,૭૧,૩૮૦,નો મુદામાલ કબજે કર્યો હતો.
આ અંગેની કામગીરીમાં LCBના પીએસઆઈ એચ.સી.ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી સહિતની ટીમ જોડાયેલ હતી.