BREAKING NEWS

કાંગશીયાળીની સીમમાં શેડમાંથી ૭.૭૫ લાખનો ડુપ્લીકેટ જંતુનાશક દવાઓનો જથ્થો ઝડપાયો

  • October 13, 2025 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
કાંગશીયાળી ગામની સીમમાં આવેલા ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા કારખાનાના શેડમાં એસઓજીની ટીમે દરોડો પાડી અહીંથી ખેતીવાડીની(જંતુનાશક) ડુપ્લીકેટ દવાઓનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે અલગ અલગ કંપનીની ડુપ્લીકેટ દવાઓનો રૂ.૭.૮૦ લાખનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે દવાના જથ્થા સાથે ઝડપાયેલા શેડના સંચાલકની પુછતાછ કરતા તેને રાવકીનો શખસ આ ડુપ્લીકેટ દવા આપી જતો હોવાની કબુલાત આપી હતી. છેલ્લા ત્રણેક માસથી આ વેપલો ચલાવતો હોવાનુ જણાવ્યું હતું. ત્યારે પોલીસે રાવકીના શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં લાયન્સ ધરાવતી કંપનીના ડુપ્લીકેટ નામથી ખેત ઉત્પાદકની જતુનાશક દવાનું વેચાણ કરનાર શખસો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જે સૂચનાને અનુસંધાને રાજકોટ ગ્રામ્ય એસઓજીના પીઆઇ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.એમ.ચાવડા તથા એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી.


દરમિયાન બાતમી મળી હતી કે, કાંગશીયાળી ગામની સીમમાં આવેલા ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તામાં પ્લોટ નં.૧૧ ના શેડમાં દર્શન ગઢાદરા નામનો શખસ કાયદેસર કંપનીમાં બનતી ખેતીની જંતુનાશક દવાઓની ડુપ્લીકેટ દવાઓનુ વેચાણ કરે છે. જેથી ટીમે અહીં દરોડો પાડયો હતો. પોલીસે અહીં શેડમાં તપાસ કરતા અહીંથી યુનાઇટેડ ફોસ્ફરસ લી., સીજેન્ટા ઇન્ડિયા પ્રા.લી, બાયર ક્રોપસાઇસ સહિતની કંપનીની ડુપ્લીકેટ જંતુનાશક દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન જંતુનાશક દવાઓનો જથ્થો કિં.રૂ. ૭,૭૫,૧૭૦ અને મોબાઇલ ફોન કિં.રૂ ૫ હજાર સહિત કુલ રૂ. ૭,૮૦,૧૭૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ ડુપ્લીકેટ જંતુનાશક દવાઓનું વેચાણ કરનાર શખસ દર્શન જયેશભાઇ ગઢાદરા(ઉ.વ ૧૯ રહે.માણેકારા સોસાયટી,અમરેલી) સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


પોલીસે ડુપ્લીકેટ દવાઓના જથ્થા સાથે ઝડપાયેલા શખસ દર્શન ગઢાદરાની પુછતાછ કરતા તેને ડુપ્લીકેટ દવાઓનો આ જથ્થો રાવકીનો શખસ આપી જતો હોવાની કબુલાત આપી હતી. આ વેપલો તે છેલ્લા ત્રણેક માસથી ચલાવતો હોવાનું રટણ કર્યું હતું. ત્યારે પોલીસે રાવકીના શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં એસઓજીના પીઆઇ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.એમ.ચાવડા તથા ટીમ જેમાં એએસઆઇ વિપુલભાઇ ગુજરાતી,હેડ કોન્સ. શીવરાજભાઇ ખાચર, પ્રહલાદભાઇ રાઠોડ, મયુરભાઇ વિરડા, અનિરૂધ્ધસિંહ જાડેજા, નૈમિષભાઇ મહેતા, કોન્સ. વિજયગીરી, વિપુલભાઇ, રામદેવસિંહ, નવદિપભાઇ તથા નરશીભાઇ સાથે રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application