71મો રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહ: પશ્ચિમ રેલવેમાં ઉત્કૃષ્ટ કાર્ય પ્રદર્શન માટે રાજકોટ ડિવિઝનને મળી ચાર પ્રતિષ્ઠિત શીલ્ડ
રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને તાજેતરમાં જનરલ મેનેજર સ્તરની ચાર શીલ્ડ મેળવીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ શીલ્ડ પશ્ચિમ રેલવેના 71માં રેલવે સપ્તાહ પુરસ્કાર સમારોહ દરમિયાન આજે દક્ષિણ મુંબઈ સ્થિત યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન હોલ ખાતે એનાયત કરવામાં આવી હતી. આ પુરસ્કાર સમારોહ દર વર્ષે પશ્ચિમ રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમની સખત મહેનત અને સમર્પણને સન્માનિત કરવા માટે આયોજિત કરવામાં આવે છે, જેઓ હંમેશા પડકારોનો સામનો કરવા તૈયાર રહે છે. રેલ સપ્તાહ દરમિયાન વિવિધ શ્રેણીઓમાં ડિવિઝનો અને એકમોને કાર્યદક્ષતા શીલ્ડ આપવામાં આવે છે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ મહત્વપૂર્ણ અવસરે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડેએ વર્ષ 2025-26 દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ડિવિઝનો અને એકમોને પ્રતિષ્ઠિત જનરલ મેનેજર કાર્યદક્ષતા શીલ્ડ એનાયત કરી હતી.
આ વર્ષે રાજકોટ ડિવિઝને વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે કુલ ચાર શીલ્ડ પ્રાપ્ત કરી છે:
1) રેલ મદદ શીલ્ડ: મુસાફરોની ફરિયાદોના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે.
2) કોમર્શિયલ ક્લીનલીનેસ શીલ્ડ: સ્ટેશનો પર ઉત્કૃષ્ટ સ્વચ્છતા જાળવવા માટે.
3) ઇન્ટર ડિવિઝનલ શીલ્ડ: ટ્રેક મેન્ટેનન્સ મશીનો દ્વારા કરવામાં આવેલી શ્રેષ્ઠ કામગીરી માટે.
4) બેસ્ટ ઇમ્પ્રુવમેન્ટ શીલ્ડ: પાછલા વર્ષની સરખામણીમાં વિવિધ વિભાગોના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે.
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે દ્વારા રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાને સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે આ શીલ્ડ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીના અને સીનિયર ડિવિઝનલ એન્જિનિયર (કો-ઓર્ડિનેશન) નરેન્દ્ર સિંહ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ આ સિદ્ધિ બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આ જ ઉત્કૃષ્ટ કાર્ય સંસ્કૃતિ અને ગતિ જાળવી રાખવા પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ તમામ પ્રતિષ્ઠિત શીલ્ડ ડિવિઝનના અધિકારીઓ અને કર્મચારીઓની મહેનત, સમર્પણ અને ખંતનું પરિણામ છે.