જામનગર પંથકમાં ઇંગ્લીશ દાના ૫૭ ચપટા સાથે ૩ શખ્સ ગીરફતાર
દિ.પ્લોટ ૫૮, હાઇવેના સ્ટોપ પાસે તથા જસાપર સીમમાં પોલીસના દરોડા
જામનગરના દિ.પ્લોટ-૫૮, જામનગર-રાજકોટ હાઇવે અને જસાપરની સીમમાં પોલીસ ટીમ દ્વારા વિદેશી દારૂ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં કુલ ૫૭ ચપટા સાથે ૩ શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે અને આ દારૂ કયાથી મેળવ્યો એ બાબતે પુછપરછ હાથ ધરી હતી.
જામનગરના દિ.પ્લોટ ૫૮, શાંતીનિકેતન એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૭માં રહેતા હિરેન કિશોરભારથી ગોસ્વામી નામના શખ્સને ઇંગ્લીશ દાના ૧૮ ચપટા સાથે એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી સીટી-એ પોલીસે પકડી લીધો હતો.
બીજા દરોડામાં શહેરના ગોકુલનગર વિસ્તાર રામનગર શેરી નં. ૭માં રહેતા વેપાર કરતા અલ્પેશ જમન પોપલીયા નામના ઇસમને ઇંગ્લીશ દાના ૪ ચપટા સાથે જામનગર રાજકોટ હાઇવે એસટી સ્ટોપ પાસેથી પંચ-એ પોલીસે દબોચી લીધો હતો.
આ ઉપરાંત કાલાવડના સિનેમા રોડ, ગોવિંદપરા ખાતે રહેતા ખેતી કરતા વિપુલ મનસુખ દોંગા નામના શખ્સને જસાપરની સીમ વિસ્તારમાં આવેલ વ્હીસ્કીના ૨૫ ચપટા અને વોડકાના ૧૦ ચપટા સાથે ભોગવટાની વાડીએથી પકડી લેવામાં આવ્યો હતો.