જામનગર, અમરેલી, મોરબી જીલ્લામાં લુંટ, ઘરફોડ ચોરી આચરતી આંતરરાજય ગેંગના ૩ શખ્સને એલસીબીએ પકડી ૩.૮૫ લાખનો મુદામાલ કબ્જે કરી પાંચ ગુનાના ભેદ ઉકેલ્યા છે.
જામનગર એસપી ડો. રવિ મોહન સૈની દ્વારા અનડીટેકટ ગુના શોધી કાઢવા સુચના કરતા એલસીબી પીઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ સીએમ કાંટેલીયા, પીએસઆઇ પી.એન. મોરી અને સ્ટાફ જરી વર્કઆઉટ ટેકનીકલ અને હયુમન સોર્સના આધારે ગુના શોધી કાઢવા કાર્યરત હતા.
ગત તા. ૧૨-૧૦-૨૫ના રણજીતસાગર રોડ જે.જે. જસોદા સોસાયટીમાં રહેતા ફરીયાદી પ્રફુલ લખમણભાઇ ભાડજાના મકાનમાં બે અજાણ્યા શખ્સોએ તેના માતા જશુબેનને ઇજા કરી ૫૦ હજારના દાગીનાની લુંટ કરી હતી ગત તા. ૧૧-૧૦-૨૫ના જે.જે. જસોદા સોસાયટીમાં રહેતા ફરીયાદી મનોજ છગનભાઇ લીંબાસીયા મકાનના ઉપરના માળે સુતા હતા નીચે દરવાજો તોડી ત્રાટકેલા શખ્સો દાગીના સહિતનો મુદામાલ લઇ ગયા હતા તેમજ સાહેદ નિકુંજ મહેશભાઇ મોલીયાના મકનની બાજુમાંથી બાઇક નં. જીજે૩એલએ-૦૫૧૪ મળી ૯૦ હજારની ચોરીને અંજામ આપ્યો હતો.

દરમ્યાન એલસીબીના દિલીપભાઇ, કાસમભાઇ, હિતેન્દ્રસિંહ, મયુરસિંહ, રૂષીરાજસિંહ, યુવરાજસિંહને સંયુકત બાતમી મળેલ કે ચોરી-લુંટ કરતી ટોળકી ઠેબા ચોકડી તરફથી મોરકંડા પાટીયા પાસે મુદામાલ સગેવગે કરવાની પેરવી કરી રહયા છે જે હકીકત આધારે ત્યાં જઇ એમપીના જોબટ તાલુકાના ગણાવા ફળીયુના બીલામ ઉર્ફે રામસીંગ ઉર્ફે જુવાનસીંગ દરીયાસીંગ ગણાવા, તાલાબ બોરીના વતની લીલેશ ઉર્ફે નિલેશ કેલસીંગ આમલીયાર અને ઉમેરીના માનુ ઉર્ફે નાનકો કુવરસીંગ નજરુ મેડાને પકડી લીધા હતા. જયારે એમપીનો સાલમ પરમસીંગ ઉર્ફે પારુ ગણાવાની સંડોવણી ખુલી હતી.
પોલીસ દ્વારા ૨.૩૩.૯૦૦ના દાગીના તેમજ ૯૯.૨૦૦ના ચાંદીના દાગીના, ૨૦ હજાર રોકડા, બે મોબાઇલ તેમજ છતર, જુમર, પંચધાતુ, શેષનાગ અને ડીસમીસ, ગણેશીયો, કટર, પાનુ વિગેરે મળી કુલ ૩.૮૫.૨૦૦નો મુદમાલ કબ્જે કર્યો હતો.
આરોપીઓ દિવસમાં સોસાયટીના બંધ મકાન હોવાની ખાતરી કરી રાત્રીના ટાર્ગેટ કરતા હતા, આરોપીઓમાં બીલામ સામે પંચ-એ, ધ્રોલ, રાજકોટ, પડધરી, કુવાડવા, માળીયા મિયાણા ખાતે અને નિલેશ સામે માળીયા મિયાળા, ધ્રોલમાં ગુના નોંધાયેલા છે. એલસીબી દ્વારા પંચ-બીના ૨, અમરેલીના વડીયા પોલીસ સ્ટેશનના ૨ અને માળીયા પોલીસ સ્ટેશનનો એક મળી પાંચ ગુનાના ભેદ ઉકેલ્યા છે.