કંગાળ કામગીરી, હાલારના ૨૮૭ ગામડા ઓડીએફ પ્લસ મોડેલ નહીં !
અહો વિચિત્રમ: જામનગર જિલ્લાના ૧૭૪ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧૧૩ ગામમાં હજુ ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપનના અભાવથી અનેક સવાલ
હાલારમાં કંગાળ કામગીરીના કારણે હજુ ૨૮૭ ગામડાનો ઓડીએફ પ્લસ મોેડેલમાં સમાવેશ થયો નથી. એટલે કે, જામનગર જિલ્લાના ૧૭૪ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧૧૩ ગામમાં હજુ ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપનનો અભાવ હોય અનેક સવાલ ઉઠ્યા છે.
ધીમી અને નબળી કામગીરી થતાં સ્વચ્છ ભારત મીશન ગ્રામીણના ખાસ કમિશ્ર્નર આકારા પાણીએ થયા છે અને યુઘ્ધના ધોરણે કામગીરી હાથ ધરી ૩૦ જૂન સુધીમાં લક્ષ્યાંક પૂર્ણ કરવા ડીડીઓ અને ડીઆરડીએના નિયામકને ખાસ સૂચના આપી છે.
હાલારના બંને જિલ્લા સહીત રાજયભરમાં સ્વચ્છ ભારત મીશન ગ્રામીણ યોજના અંતર્ગત થતી જુદી-જુદી કામગીરી ખૂબજ ઘીમી ગતિએ ચાલી રહી હોવાનું તા.૧૪ મેના જળ શકિત મંત્રાલયના ડ્રીકીંગ વોટર અને સેનીટેશન વિભાગના સેક્રેટરી અને જોઇન્ટ સેક્રેટરીની અઘ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં બહાર આવ્યું હતું. આથી સ્વચ્છ ભારત મીશન ગ્રામીણના ખાસ કમિશ્ર્નરે તા.૧૮ મેના જામનગર સહીત રાજયભરના તમામ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેકટરને ખાસ પત્ર પાઠવી આ કામગીરી યુઘ્ધના ધોરણે કરી આગામી ૩૦ જૂન સુધીમાં લક્ષ્યાંક પૂર્ણ કરવા સૂચના આપી છે. આ પત્રમાં ગામડાઓને ઓડીએફ પ્લસ મોડેલ જાહેર કરવા માટેની વેરીફીકેશન એટલે કે ચકાસણીના બીજા તબકકાની કામગીરી ખૂબજ ધીમી ગતિએ થઇ રહી હોવાનું જણાવી પેન્ડીંગ વેરીફીકેશનને પ્રાયોરીટી આપી પૂર્ણ કરવા તાકીદ કરી છે.
આટલું જ નહીં કમિશ્ર્નરે પાઠવેલા પત્રની સાથે કયાં જિલ્લામાં કેટલી કામગીરી થઇ છે તેના આંકડા અને ટકાવારી પણ દર્શાવી છે. જેમાં રાજયભરમાં ઓડીએફ પ્લસ મોડેલ જાહેર કરવામાં આવેલા ગામડાની કુલ ટકાવારી ૭૮ ટકા છે. ખાસ કરીને રાજયના અન્ય જિલ્લાઓની સરખામણીએ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં નબળી કામગીરી થઇ હોવાનું આંકાડા પરથી ફલીત થયું છે. કારણ કે, સમીક્ષા બેઠકમાં રજૂ કરાયેલી આંકડાકીય માહીતી અનુસાર જામનગર જિલ્લામાં કુલ ૪૧૩ ગ્રામ પંચાયત છે. જેમાંથી ઓડીએફ પ્લસ( જાહેર શૌચાલય મુકત) ૪૦૬, મોડેલ ૨૪૨ જાહેર કરવામાં આવતા ૫૮.૬૦ ટકા કામગીરી થઇ છે. જયારે જામનગર જિલ્લાના ૪૧૯ ગામડા પૈકી ૧૫૦ ગામ એસ્પાઇરીંગ એટલે કે શૌચાલય અને ઘન કચરા વ્યવસ્થાપન યુકત , રાઇઝીંગ એટલે કે શૌચાલય, ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન યુકત ૧૬ ગામ, મોડેલ ૨૪૫ ગામ અને ઓડીએફ પ્લસ મોડેલ એટલે કે શૌચાલયની સાથે ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન ધરાવતા ૨૪૫ ગામ જાહેર કરાતા ૫૮.૪૭ ટકા કામગીરી થઇ છે. એટલે કે હજુ ૧૭૪ ગામડા ઓડીએફ પ્લસ મોડેલ જાહેર કરાયા નથી.
જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૨૪૪ ગ્રામ પંચાયત છે. જેમાંથી ઓડીએફ પ્લસ ૨૪૧, મોડેલ ૧૩૨ જાહેર કરવામાં આવતા ૫૮.૬૦ ટકા કામગીરી થઇ છે. જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૨૪૭ ગામડા પૈકી ૯૧ એસ્પાઇરીંગ એટલે કે શૌચાલય અને ઘન કચરા વ્યવસ્થાપન યુકત, રાઇઝીંગ એટલે કે શૌચાલય, ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન યુકત ૧૯ ગામ, મોડેલ ૧૩૪ ગામ જાહેર કરાતા ઓડીએફ પ્લસ મોડેલ એટલે કે શૌચાલયની સાથે ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન ધરાવતા ૧૩૪ ગામ જાહેર કરાતા ૫૪.૨૫ ટકા કામગીરી થઇ છે. એટલે કે હજુ ૧૧૩ ગામડા ઓડીએફ પ્લસ મોડેલ જાહેર કરાયા નથી. આટલું જ નહીં ઓડીએફ પ્લસ મોડેલ જાહેર કરવા માટે બે તબકકામાં વેરીફીકેશન કરાયું હતું. જેમાં પ્રથમ તબકકામાં જામનગર જિલ્લાના ૬ તાલુકાના ૪૧૯ ગામડામાંથી પ્રથમ તબકકામાં ૨૦૮ અને બીજા તબકકામાં ફકત ૪૯ ગામડાનું વેરીફીકેશન કરવામાં આવતા પ્રથમ તબકકામાં ૨૧૧ અને બીજા તબકકાના વેરીફીકેશનમાં ૩૭૦ નો ગેપ રહ્યો છે. જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ચાર તાલુકાના ૨૪૭ ગામડામાંથી પ્રથમ તબકકામાં ૧૨૩ અને બીજા તબકકામાં ૩૫ ગામડાનું વેરીફીકેશન કરાયું હતું. આથી પ્રથમ તબકકામાં ૧૨૪ અને બીજા તબકકાના વેરીફીકેશનમાં ૨૧૨ ગામડાનો ગેપ રહ્યો હોવાનું દર્શાવાતા અનેક સવાલની સાથે ભારે આશ્ર્ચર્ય સર્જાયું છે. આથી ઓડીએફ પ્લસ મોડેલ વીલેજ જાહેર કરવાની કામગીરી નબળી અને કંગાળ થઇ હોવાનું આંકડા પરથી સ્પષ્ટ થતાં સ્વચ્છ ભારત મીશન ગ્રામીણ વિભાગના રાજયના ખાસ કમિશ્ર્નરે આ કામગીરી ૩૦ જૂન પહેલા પૂર્ણ કરવા સ્પષ્ટ સૂચના આપી તાકીદ કરી છે.
ઓડીએફ પ્લસ મોડેલ ગામ એટલે શૌચાલયની સાથે ઘન-પ્રવાહી કચરા વ્યવસ્થાપનની સુવિધા:
ઓડીએફ પ્લસ મોડેલ ગામ એટલે ગામની ગ્રામ પંચાયત તથા તમામ સરકારી ઇમારતો, શાળાઓમાં, ગામમાં સામૂહીક શૌચાલય હોવાની સાથે ઘન કચરા અને પ્રવાહી કચરા વ્યવસ્થાપનની સુવિધા હોય. આ તમામ સુવિધા ગામમાં ઉપલબ્ધ થાય તો તેને ઓડીએફ પ્લસ મોડેલ જાહેર કરવામાં આવે છે. જામનગર જિલ્લાના ૪૧૯ પૈકી ૧૭૪ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૨૪૭ પૈકી ૧૧૩ ગામ હજુ ઓડીએફ પ્લસ મોડેલ બન્યા નથી.