ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધે હવે 28મા દિવસમાં પ્રવેશ કર્યો છે. ઈરાનના તેહરાન સહિતના અનેક શહેરોમાં સતત ધડાકાઓ સંભળાઈ રહ્યા છે. ઈરાન સરકારે કડક પ્રતિબંધો લાદ્યા હોવા છતાં, એએફપી (AFP) ના પત્રકારો સાથે વાત કરતા ઈરાની નાગરિકોએ પોતાની વ્યથા ઠાલવી છે. નોંધનીય છે કે, દેશની બહાર તસવીરો મોકલવા કે પત્રકારો સાથે વાત કરવા બદલ ઈરાન સરકાર નાગરિકોની ધરપકડ કરી રહી છે.
આર્થિક કટોકટી અને મોંઘવારીનો માર
યુદ્ધ પહેલા જ ઈરાન આર્થિક સંકટમાં હતું, પરંતુ આ સંઘર્ષે મોંઘવારીને આસમાને પહોંચાડી દીધી છે. તેહરાનના એક રહેવાસીએ જણાવ્યું કે, "મારી ઓનલાઈન દુકાન છેલ્લા બે મહિનાથી બંધ છે, આવક શૂન્ય છે. અમે હવે રેસ્ટોરન્ટમાં જવાનું કે મનોરંજન વિશે વિચારી પણ શકતા નથી, માંડ પાયાની જરૂરિયાતો પૂરી કરીએ છીએ." પ્રવાસન માટે જાણીતા 'કેશમ ટાપુ' પર નવરોઝની રજાઓ દરમિયાન પણ હોટલો અને કાફે અડધા ખાલી જોવા મળ્યા હતા. લોકો હવે માત્ર એ જોવા માટે રોકાયા છે કે યુદ્ધમાં આગળ શું થાય છે.
રોજિંદા જીવનમાં ભય અને મિસાઈલોનો અવાજ
ઈરાની કુર્દ વિસ્તારના એક રહેવાસીએ જણાવ્યું કે, "ધડાકા અને મિસાઈલો હવે અમારા રોજિંદા જીવનનો હિસ્સો બની ગયા છે. અમને હવે તેની આદત પડી ગઈ છે. અત્યારે અમારી સૌથી મોટી ચિંતા એ છે કે જો ઈઝરાયેલ અમારા તેલ અને ગેસના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરશે તો અમારું શું થશે?"
કડક સુરક્ષા અને સર્ચ ઓપરેશન
તેહરાનમાં સુરક્ષા દળોએ રસ્તાઓ પર નિયંત્રણ મેળવી લીધું છે. ઠેર-ઠેર ચેકપોસ્ટ બનાવવામાં આવી છે જ્યાં કારની તલાશી લેવામાં આવે છે અને લોકોના ફોન ચેક કરવામાં આવે છે. ફોનમાં કોઈ ફોટો, છુપાયેલી ફાઈલો કે એપ હોય તો તેની આકરી પૂછપરછ કરવામાં આવે છે. તેહરાનની એક ડેન્ટિસ્ટે કહ્યું કે, "અમે ત્રણ પાગલ શક્તિઓ વચ્ચે ફસાયા છીએ. આ યુદ્ધે મારો એક ભાગ છીનવી લીધો છે જે ક્યારેય પાછો નહીં આવે."
ઈરાની વિરોધ પક્ષોની ચિંતા
ઈસ્લામિક ગણતંત્રના વિરોધીઓ એ વાતથી ડરેલા છે કે જો વોશિંગ્ટન અને ઈરાન વચ્ચે કોઈ સમજૂતી થઈ જશે, તો સત્તા પર કાબિજ મૌલવી અધિકારીઓ વિરોધ કરનારા નાગરિકો વિરુદ્ધ કડક પગલાં લેશે. એક નાગરિકે કહ્યું કે, "જો કોઈ સમજૂતી થશે, તો અમારો વિનાશ નક્કી છે. અમારે કમસે કમ બે-ત્રણ વર્ષ માટે ઈરાન છોડવું પડશે."
યુદ્ધની આ તસવીર સ્પષ્ટ કરે છે કે નેતાઓ વચ્ચેના સૈન્ય સંઘર્ષમાં સામાન્ય જનતા માનસિક અને આર્થિક રીતે ખતમ થઈ રહી છે. અત્યાર સુધીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હોવાની આશંકા છે, પરંતુ સત્તાવાર આંકડાઓ હજુ પણ રહસ્ય બનેલા છે.