સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો બ્યુગલ ફૂંકાય તે પૂર્વે ગુજરાત પોલીસ વિભાગમાં વહીવટી તંત્ર દ્વારા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડા (DGP) દ્વારા એક સાથે ૨૫૪ પોલીસ ઇન્સ્પેક્ટરો (PI) ની બદલી અને નિમણૂકના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. લાંબા સમયથી પ્રમોશન મેળવીને જે તે જગ્યાએ 'વેઈટિંગ'માં રહેલા અધિકારીઓને હવે સત્તાવાર રીતે નવા પોલીસ સ્ટેશનો અને વિભાગોમાં પોસ્ટિંગ ફાળવી દેવામાં આવ્યું છે.

રાજ્યમાં ખાસ કરીને વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૬ની બેચના પીએસઆઈ (PSI) ને પીઆઈ તરીકે બઢતી આપવામાં આવી હતી. જોકે, પ્રમોશન મળ્યા બાદ પણ આશરે ૧૩ મહિના જેટલા લાંબા સમયથી આ અધિકારીઓ જે તે જિલ્લા કે શહેરમાં જૂની જગ્યાએ જ ફરજ બજાવી રહ્યા હતા. રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવ દ્વારા લેવાયેલા આ નિર્ણય બાદ હવે તમામ ૨૫૪ અધિકારીઓને સત્તાવાર પોસ્ટિંગ મળતા પોલીસ બેડામાં સળવળાટ જોવા મળી રહ્યો છે.

આ બદલીઓમાં કેટલાક જાણીતા નામ પણ સામેલ છે. અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં 'મહેફિલ કાંડ' દરમિયાન વિવાદમાં આવેલા ચંદ્રકલાબા જાડેજા, જેઓ અગાઉ પીએસઆઈ હતા, તેમને બઢતી બાદ ઇન્ટેલિજન્સ વિભાગમાં મૂકાયા હતા. હવે તેમને અમદાવાદ ગ્રામ્યમાં પીઆઈ તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. તેવી જ રીતે, ચાંદખેડા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ એચ.એમ. આહીરની બદલી સીઆઈડી (CID) ક્રાઈમમાં કરવામાં આવી છે.

વર્તમાન સમયમાં વધતા જતાં સાયબર અપરાધોને ડામવા માટે રાજ્ય સરકાર સજ્જ બની છે. આ બદલીઓમાં 'સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ' ખાતે ૧૭ જેટલા પીઆઈની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, CID ક્રાઈમના વિવિધ વિભાગો જેવા કે આર્થિક ગુના નિવારણ અને સાયબર સેલમાં ૪૦થી વધુ પીઆઈને જવાબદારી સોંપવામાં આવી છે. કુલ ૨૫૪માંથી ૬૦થી વધુ અધિકારીઓને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટોમાં અને બાકીનાને વિવિધ જિલ્લા અને શહેરોના પોલીસ સ્ટેશનોમાં મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વહીવટી પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. છેલ્લા બે દિવસથી પોલીસ બેડામાં અંદાજે ૬૫૦ જેટલા પીઆઈની બદલી થવાની અટકળો ચાલી રહી હતી, જે પૈકી આજે પ્રથમ તબક્કામાં ૨૫૪ અધિકારીઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ ફેરફારથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનશે અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાશે તેવી આશા રાખવામાં આવી રહી છે.





