વાઇબ્રન્ટ સમિટના સફળ સમાપન બાદ રાજકોટમાં રિવર્સ બાયર્સ-સેલર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે સૌપ્રથમ વખત 23 દેશોના ઝવેરીઓ આવી પહોંચ્યા છે. ત્યારે ગઈકાલે તા.12 જાન્યુઆરીના રોજ વાઇબ્રન્ટ મીટના સમાપન બાદ યુએઈના ઉદ્યોગપતિઓના પ્રતિનિધિ મંડળે રાજકોટની સોની બજારની મુલાકાત કરી હતી. આ વખતે રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના હોદ્દેદારો દ્વારા તેમને આવકારી અને રાજકોટના સોની બજારની વિશેષતાઓ તેમજ સોનીઓની કારીગરી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તો યુએઈના ઉદ્યોગપતિઓએ પણ રાજકોટના સોની કારીગરોની કલાને વખાણી બહોળા પ્રમાણમાં સોનાની ખરીદી કરી હતી.
આ અંગે પ્રાત માહિતી પ્રમાણે ગઈકાલે યુએઈના 21 ઉદ્યોગપતિઓએ રાજકોટની સોની બજારની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સોની બજારના કારીગરો દ્વારા હાથની ઘડામણ નિહાળી અને ખરીદી કરી હતી. વર્તમાનના ટેકનોલોજીના યુગમાં કારીગરોની હાથની બારીક કલા- કારીગરી જોઈને તેઓ ઘણા પ્રભાવિત થયા હતા. તેમજ શુદ્ધ સોના પર થતા ઝીણવટ ભર્યા નકશી કામને નિહાળીને સોનીઓના કામની ભારે પ્રશંસા કરી હતી.
આ મુલાકાત બાદ રાજકોટ અને યુએઈ વચ્ચે આંતરરાષ્ટ્રીય ખરીદીનો માર્ગ મોકળો થશે તેવી રાજકોટના ઝવેરીઓએ આશા દર્શાવી હતી. યુએના પ્રતિનિધિ મંડળના આગમન વખતે રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ મયુર આડેશરા, મંત્રી ઉદય ભગદેવ અને એસોસિએશનના અન્ય સભ્યોએ યુએઈથી આવેલા પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતું. તેમજ રાજકોટના જ્વેલરી ઉદ્યોગની વિશેષતાઓથી તેઓને માર્ગદર્શિત કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application