અમેરિકાના ન્યૂયોર્કમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શુક્રવારે સાંજે ઈસ્ટ ફાર્મિંગડેલ સ્થિત પ્રખ્યાત 'એડવેન્ચરલેન્ડ' એમ્યુઝમેન્ટ પાર્કમાં એક રાઈડમાં ટેકનિકલ ખામી સર્જાતા 16 લોકો લગભગ ત્રણ કલાક સુધી હવામાં અધ્ધરતાલ ફસાયા હતા. જોકે, રાહતના સમાચાર એ છે કે આ ભયાનક ઘટનામાં તમામ લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા છે અને કોઈને પણ ઈજા પહોંચી નથી.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, સાંજે લગભગ 7:30 વાગ્યે પાર્કની લોકપ્રિય 'વેવ ટ્વિસ્ટર' (Wave Twister) રાઈડ અચાનક બંધ થઈ ગઈ હતી. આ સમયે રાઈડ પર સવાર 16 લોકો જમીનથી લગભગ 25 ફૂટની ઊંચાઈએ ફસાઈ ગયા હતા. ફસાયેલા લોકોમાં એક 5 વર્ષનું બાળક અને તેના 40 વર્ષીય વાલી ઉપરાંત 8 થી 12 વર્ષની વયના અન્ય બાળકોનો પણ સમાવેશ થતો હતો.
યુદ્ધના ધોરણે બચાવ કામગીરી
ઘટનાની જાણ થતાં જ ઈસ્ટ ફાર્મિંગડેલ ફાયર ડિપાર્ટમેન્ટ, સફોક કાઉન્ટી પોલીસ અને અન્ય ઈમરજન્સી રિસ્ક્યુ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. બચાવકર્મીઓએ કલાકોની જહેમત બાદ એક વિશેષ અભિયાન ચલાવીને તમામ 16 લોકોને હેમખેમ નીચે ઉતાર્યા હતા.
રાઈડ હાલ બંધ
આ ઘટના બાદ એડવેન્ચરલેન્ડ મેનેજમેન્ટે 'વેવ ટ્વિસ્ટર' રાઈડને આગામી સૂચના સુધી બંધ કરી દીધી છે. પાર્કના પ્રવક્તા માર્ક સ્મિથે જણાવ્યું હતું કે, "અમારો 60 વર્ષનો સુરક્ષાનો ઈતિહાસ રહ્યો છે. આ ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે નિષ્ણાતોની મદદથી ઊંડાણપૂર્વકની ટેકનિકલ તપાસ કરવામાં આવશે અને સુરક્ષાના તમામ જરૂરી પગલાં લેવામાં આવશે."